Site icon Revoi.in

સાબરમતી નદીમાં કેટલાક રહિશો અને ઉદ્યોગો દ્વારા પ્રદુષણ કરાતું હોવાનો હાઈકોર્ટમાં અપાયો રિપોર્ટ

Social Share

અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે હાઇકોર્ટે લીધેલી સુઓમોટો અરજીમાં અદાલત મિત્રએ રિપોર્ટ રજૂ કર્યો હતો. અદાલત મિત્રએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, હજુ પણ રહેણાક વિસ્તારો અને ઉધોગો નદીમાં કચરો ઠાલવે છે. જીપીસીબીએ કોર્પોરેશનને નોટિસ પાઠવી છે. નદીમાં કચરો ઠાલવતી સોસાયટીઓ સામે પગલા લેવા એકટિંગ ચીફ જસ્ટિસ એ.જે. દેસાઇની ખંડપીઠે આદેશ કર્યો હતો. વધુ સુનાવણી આગામી તા. 28 જુલાઇના રોજ મુકરર કરી છે.

અમદાવાદ શહેરમાં સાબરમતી નદીમાં કેટલીક સોસાયટીઓ પ્રદૂષણ ફેલાવી રહી છે તેમની સામે પગલા લેવા જીપીસીબીએ મ્યુનિ. કોર્પોરેશનને જાણ કરી છે. ઔધોગિક એકમો દ્વારા મેગા પાઇપ લાઇનમાં છોડાતા પ્રદૂષિત પાણીને રોકવા જોઇન્ટ ટાસ્ક ફોર્સે શું પગલા લીધા? તે રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે. હાઇકોર્ટે કરેલા નિર્દેશોનું નિયમિત રીતે પાલન થાય છે કે નહીં? તે અંગે પણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. નદીમાં છોડવામાં આવતા પ્રદૂષિત પાણીને શુદ્ધ કરવા એસટીપી પ્લાન્ટની કામગીરી અંગે હાઇકોર્ટે અગાઉ નિર્દેશો કર્યા છે.

શહેરની આસપાસ આવેલા કેટલાક ઉધોગોના એસટીપી પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે કે નહીં અને નદીનું પાણી કેટલું શુદ્ધ થયું છે? તે અંગે પણ રિપોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી..સુઓમોટા અરજીની સુનાવણી સાંભળી રહેલી પૂર્વ જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠે જોઇન્ટ ટાસ્ક ફોર્સને નિયમિત રીતે રિપોર્ટ તૈયાર કરીને રજૂ કરવા નિર્દેશ કર્યો હતો. તેના ભાગરૂપે અદાલત મિત્રએ રિપોર્ટ રજૂ કર્યો હતો તેમા હજુ પણ નદીમાં કચરો ઠાલવતી સોસાયટી સામે પગલા લેવાતા નહી હોવાની રજુઆત કરવામાં આવી હતી.  દરમિયાન જીપીસીબી તરફથી જવાબ રજૂ કરવા સમયની માગણી કરવામાં આવી હતી. હાઈકોર્ટના તત્કાલિન જસ્ટિસ પારડીવાલાની ખંડપીઠે ઉધોગોને કોઇપણ સંજોગોમાં રાહત આપવા ઇન્કાર કર્યો હતો. કચરો ઠાલવતી ઇન્ડસ્ટ્રીના ગટર કનેકશન સીલ કરી દેવામાં આવ્યા હતા.