Site icon Revoi.in

પોરબંદરના દરિયાકાંઠે ડ્રગ્સના પેકેટ્સ મળ્યાં બાદ સોમનાથના સમુદ્રકાંઠે પણ સર્ચ હાથ ધરાયું

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સ પકડવાનો સિલસિલો અટકતો નથી. રાજ્યમાં 1600 કિમીનો દરિયા કાંઠો આવેલો છે. જેમાં સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓને અનુકૂળ આવી ગયો છે. પરંતુ મરીન પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓની બાદ નજર હોવાથી ડ્રગ્સ સપ્લાયરો પોલીસના ડરથી ક્યારે ક દરિયા કિનારે જ ડ્રગ્સના પેકેટ્સ ફેંકીને પલાયન થઈ જતા હોય છે. ત્યારે કચ્છ. જામનગર પોરંબંદર, અને માંગરોળના દરિયા કિનારેથી ડ્રગ્સ અને ચરસના પેકેટ્સ બીનવારસી મળી આવ્યા બાદ વેરાવળના દરિયા કિનારેથી પણ નશીલા પદાર્થોના પેકેટ્સ મળી આવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના ગણાતા એવા સોમનાથના દરીયાકાંઠા વિસ્તારમાંથી નશીલા પદાર્થનાં પેકેટ મળી આવતાં સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. જેના પગલે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથના વડોદરા ડોડીયાથી લઈને ઉનાના નવાબંદર સુધીના 70 કિમીના દરીયાકાંઠે SOG, મરીન સહિતની પોલીસની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આ મામલે સર્ચ ઓપરેશનની કામગીરી પૂર્ણ થયા બાદ પોલીસ વિગતો જાહેર કરશે તેવું જાણવા મળ્યું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા થોડા સમયથી ગુજરાતના દરીયાકાંઠે ફરી નશીલા પદાર્થોની હેરાફેરી વધી હોય તેમ મોટી માત્રામાં પ્રતિબંધ નશીલા પદાર્થો પકડાઈ રહ્યા છે. દરમિયાન બુધવારે સવારે જૂનાગઢના માંગરોળથી લઈને માધુપુરના દરીયાકાંઠે નશીલા પદાર્થ ચરસના જથ્થાના ઘણા પેકેટો મળી આવ્યા હતા. જેના પગલે ગીર સોમનાથ જિલ્લામાં આદરીથી શરૂ થતાં દરીયાકિનારાથી સોમનાથના કાંઠાના વિસ્તારોમાં SOG અને મરીન પોલીસની ટીમોએ તપાસ હાથ ધરી હતી. જેમાં બિનવારસી હાલતમાં નશીલા પદાર્થોના જથ્થાના પેકેટો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે હજુ પણ પોલીસનું સર્ચ ઓપરેશન ચાલુ હોવાથી કયો નશીલા પદાર્થ છે? કેટલી માત્રામાં મળી આવ્યો છે? તેની કોઈ ચોક્કસ વિગત મળી શકી નથી. આ અંગે જિલ્લા પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ પાડોશી જિલ્લાના દરીયાકાંઠેથી નશીલા પદાર્થો મળી આવ્યા છે. જેના આધારે હાલ ગીર સોમનાથ જિલ્લાના વડોદરા ડોડીયાથી લઈને સોમનાથ, સુત્રાપાડા, કોડીનાર તથા ઉનાના નવાબંદર સુધીના દરીયાકાંઠાના વિસ્તારોમાં SOG, મરીન પોલીસ સહિતની એજન્સીઓની ટીમો સર્ચ ઓપરેશન કરી રહી છે. જે કામગીરી પૂર્ણ થયા બાદ વિગતો જાહેર કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કચ્છ, જામનગર અને પોરબંદર બાદ જૂનાગઢના માંગરોળના દરિયાકાંઠેથી શંકાસ્પદ પેકેટો મળી આવ્યા હતા. આ પેકટોમાં ડ્રગ્સ હોવાની આશંકા સેવવામાં આવી છે. પોલીસે પેકેટની તપાસ માટે FSLમાં મોકલી આપ્યા છે. વધુ બિનવારસી પેકેટ મળવાની સંભાવનાના પગલે જૂનાગઢ પોલીસે દરિયાકાંઠઆ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ સોમનાથ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.