Site icon Revoi.in

ગુજરાતમાં યોજાયેલા ડિફેન્સ એક્સપોમાં આત્મનિર્ભર ભારતના દર્શન થઈ રહ્યા છેઃ રાજ્યપાલ

Social Share

ગાંધીનગરઃ 12માં ડિફેન્સ એક્સપો-2022 અંતગર્ત મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં અને સંરક્ષણ મંત્રી  રાજનાથસિંહની પ્રેરક ઉપસ્થિતિમાં ‘બંધન’ સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાતના રાજ્યપાલએ ડિફેન્સ એક્સપો-2022ના સમાપન સમારોહમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું અભિવાદન કરતા જણાવ્યું હતું કે, 12માં ડિફેન્સ એક્સપો-2022માં આત્મનિર્ભર ભારતના દર્શન થાય છે. શસ્ત્ર સરંજામની આયાત કરનારા દેશ તરીકે ભારતની ઓળખ હતી એ ભારત શસ્ત્ર સરંજામની નિકાસ કરનારો દેશ બન્યો છે, જે પ્રત્યેક ભારતીય માટે ગર્વની વાત છે.

રાજ્યપાલએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત હંમેશા શાંતિ-સૌહાર્દ અને ભાઈચારામાં માને છે. ભારતીય સંસ્કૃતિ વિશ્વ બંધુત્વના ભાવ સાથે સમગ્ર વિશ્વને પરિવાર માને છે ત્યારે ભારતના શસ્ત્રો હંમેશા શાંતિ માટે છે તેવું રાજ્યપાલ સ્પષ્ટપણે જણાવી ઉમેર્યું હતું કે, જ્યારે વીરતા આત્મનિર્ભરતા તથા સ્વવિકાસ માટે હોય ત્યારે અશાંતિ કરનારાઓની હિંમત ચાલતી નથી એટલે જ ભય વિના પ્રીતિ નથી હોતી એવું આપણે સ્પષ્ટ માનીએ છીએ. ભારત કોઈને છોડતું નથી અને ભારતને છેડનારાને છોડતું નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું.

રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, હતું કે ભારતના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના કર્મઠ નેતૃત્વમાં ભારતે પ્રત્યેક ક્ષેત્રમાં ઉડીને આંખે વળગે તેવા વિકાસ કાર્યો છે. જે સરકારની ઈચ્છાશક્તિ અને ભારતીય નાગરિકોના કઠોર પરિશ્રમનું પરિણામ છે. રાજ્યપાલશ્રીએ ડિફેન્સ એક્સપો-2022માં દેશ-વિદેશથી પધારેલા મહાનુભાવોનું ગુજરાતની ધરતી પર સ્વાગત કરી આ અવસરે થઈ રહેલા સમજૂતી કરારોથી દેશના રક્ષા ક્ષેત્રે નવા સીમાચિહ્નો હાંસલ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે સંરક્ષણ મંત્રી  રાજનાથસિંહે 12માં ડિફેન્સ એક્સ્પોના ગુજરાતમાં સફળ આયોજન બદલ અભિનંદન આપતા કહ્યું હતું કે, ગુજરાત દેશની આર્થિક, આધ્યાત્મિક અને રાજકીય ગતિવિધિઓમાં સદીઓથી મહત્વનું યોગદાન આપતું આવ્યું છે. આધ્યાત્મિક ક્ષેત્રે ભક્ત નરસિંહ મહેતા, જ્ઞાન-સમાજ સુધારકમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી, રાજનીતિ ક્ષેત્રે મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની સાથે આધુનિક યુગના વૈશ્વિક નેતા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી પણ ગુજરાતની જ દેન છે. મહાન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈ તથા ઉદ્યોગ ક્ષેત્રે જમશેદજી તાતા અને ધીરુભાઈ અંબાણીએ ભારતને નવી ઓળખ અપાવી છે.