Site icon Revoi.in

રસ્તા પર કાર રિપેર કરવા ઉતરતા લોકો માટે ચેતવણી સમાન કિસ્સો,  બસની ઝપેટે આવતા ત્રણ લોકોના ગંભીર મોત

Social Share

કાનપુરઃ- દિવસ દરમિયાન સમગ્ર દેશભરમાં અનેક માર્ગ અકસ્માતો સર્જાતા હોય છે, કેટલાક કિસ્સાઓમાં આ અકસ્માતનું કારણ આપણી ભૂલ હોય છે, તો ક્યારેક સામેથી પુરઝડપે આવતા વાહનો તેનું કારણ બને છે,આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં બનવા પામી છે.મળતી માહિતી પ્રમાણે કાનપુર ગ્રામ્ય વિસ્તારના અકબરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈટાવાથી કાનપુર આવી રહેલી રોડવેઝની બસે રસ્તા પર ઊભેલા ત્રણ લોકોને કચડી નાખ્યા હતા.

આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જિલ્લા હોસ્પિટલમાં એક યુવકનું મોત થયું હતું. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ફરાર રોડવેઝ બસના ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

કાનપુર ગ્રામ્ય વિસ્તારના અકબરપુર કોતવાલીને અડીને આવેલા કુંભી ગામ પાસે ઇટાવા કાનપુર રોડ પર ત્રણ લોકો તેમની કાર બગડી જતા તેઓ રિપેર કરવા માટે નીચે ઉતર્યા હતા. આ જ સમયે ઈટાવાથી કાનપુર જઈ રહેલી રોડવેઝની બસે કાબુ ગુમાવ્યો હતો. બસે રોડ પર વાહન સુધારી રહેલા ત્રણેયને કચડી નાખ્યા હતા. અકસ્માત સમયે સ્થળ પર અન્ય કોઈ હાજર નહોતું. જેનો લાભ લઈ રોડવેઝ બસનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

ઘટનાસ્થળેથી થોડે દૂર ઉભેલા યુવકે 112 નંબર પર અકસ્માતની જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અન્ય એક ઘાયલ વ્યક્તિને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલા ત્રણેય લોકો ઉન્નાવના રહેવાસી છે.

ઘણા લોકો જ્યારે રોડ પર કાર બગડે ત્યારે આ ભૂલ કરતા હોય છે તેઓ રોડ પર રહીને જ કારની સર્વિસમાં જોતરાય છે જો કે સામેથી આવતા વાહન ક્યારે બેકાબૂ બને તે ખબર હોતી નથી,તેથી સારુ રહે કે જ્યારે પણ કાર બગડે ત્યારે તેને પહેલા રસ્તાથી દૂર સાઈડમાં લઈ જઈને તેનું રિપેર કામ  કરવું જોઈએ જો આવી નાની નાની બાબતોને પમ ઘ્યાનમાં લેવામાં આવે તો રોજબરોજની આવી ઘણી અકસ્માતની બનતી ઘટના અટકી શકે છે.