Site icon Revoi.in

ભાવનગરના અલંગના શિપ બ્રેકિંગ યાર્ડમાં મંદી, નવેમ્બરમાં માત્ર 10 જહાંજ ભંગાવવા માટે લાંગર્યા

Social Share

ભાવનગરઃ જિલ્લાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડને સમયાંતરે તેજી-મંદીનો સામનો કરવો પડે છે. હાલ ભંગાવવા માટે આવતા શિપમાં ઘટાડો થયો છે. હાલ માત્ર 10 જેટલા શીપ ભંગાણ માટે લાંગરેલા છે. શિપ બ્રેકિંગ ઉદ્યોગમાં મંદીના અનેક કારણો છે. દેશના પાડોશી રાજ્યોમાં પણ શિપ બ્રેકિંગનું કામકાજ થઈ રહ્યું છે. ઉપરાંત વૈશ્વિક મંદી પણ કારણભૂત હોવાનું કહેવાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાના આર્થિક કરોડરજ્જુ સમાન અલંગ યાર્ડમાં દોઢ વર્ષ બાદ ઓક્ટોબર મહિનો તેજીની આશા લઈને આવ્યો હતો. જેના કારણે નાણાંકીય વર્ષના બાકીના પાંચ મહિના શિપ બ્રેકીંગ ઉદ્યોગ મંદીના મોજામાંથી ઉગરેલો રહેશે તેવી આશા હતી. પરંતુ તેનાથી વિપરીત નવેમ્બર મહિનો નિરાશાજનક રહ્યો હોય તેમ અડધો અડધ જેટલા શિપની ઘટ સાથે માત્ર 10 જહાજ કટિંગ થવા માટે અલંગના દરિયાકાંઠે લાંગર્યા હતા.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, જહાજ ભાંગવા માટે એશિયામાં સૌથી મોટું સ્થાન ધરાવતા અલંગ શિપરિસાયકલીંગ યાર્ડ માટે 2023-24નું નાણાંકીય વર્ષ એકંદરે નબળું સાબિત પુરવાર થઈ રહ્યું છે. એકમાત્ર ઓક્ટોબર માસમાં એપ્રિલ-2022 પછી સૌથી વધું 19 જહાજ ભંગાવવા માટે આખરી સફર ખેડી અલંગ પહોંચ્યા હતા. જેના કારણે અલંગ જહાજવાડા ઉપર દોઢ વર્ષથી લાગેલું મંદીનું ગ્રહણ હટી જશે. તેવી આશા જાગી હતી. પરંતુ નવેમ્બર મહિનામાં એ આશા ઉપર પાણી ફરી વળ્યું હોય તેમ ગત માસમાં અલંગમાં ભંગાવા આવેલા જહાજની સંખ્યા માંડ 10 રહી હતી. હજુ પણ 2023ના છેલ્લા મહિના ડિસેમ્બરમાં નોંધપાત્ર કહીં શકાય એટલા શિપ અલંગ પહોંચશે તેવી આશા ધૂંધળી નિવડી છે. જેના કારણે આ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાઈ રોજગારી મેળવતા લોકોની ચિંતા વધી છે. ઉલ્લેખનીય છે કે, નાણાંકીય વર્ષ 2023-24ના છેલ્લા આઠ માસમાં અલંગની અંતિમ સફરે કુલ 81 આવ્યા છે. તેમાં પણ છેલ્લા ત્રણ માસમાં જ અડધો અધડ જેટલા 41 શિપ સ્ક્રેપ થવા આવ્યાનું નોંધાયું છે.

Exit mobile version