Site icon Revoi.in

અમદાવાદના વટવામાં સ્માર્ટ સ્કૂલ બન્યાને દોઢ વર્ષમાં બંધ કરવી પડી, જાણો કેમ ?

Social Share

અમદાવાદ :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બે વર્ષ પહેલા આમ આદમી પાર્ટીએ સ્માર્ટ સ્કૂલનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકની નગર શિક્ષણ સમિતિ દ્વારા કેટલાક વિસ્તારોમાં સ્માર્ટસ્કૂલો બનાવી દેવામાં આવી હતી. જેમાં શહેરના વટવા વિસ્તારમાં આવેલી વટવા શાળા નંબર 1 જેને સ્માર્ટ સ્કૂલ બનવાઈ હતી, તેની હાલત બે જ વર્ષમાં જર્જરીત થઈ ગઈ છે. હજી જાન્યુઆરી 2021 માં જૂની સરકારી સ્કૂલને સ્માર્ટ સ્કૂલ તબદીલ કરાઈ હતી, ત્યારે સ્માર્ટ સ્કૂલ બન્યાને દોઢ વર્ષમાં સ્કૂલ બંધ કરવાની ફરજ પડી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યમાં પ્રદીપસિંહ જાડેજા, ગૃહમંત્રી હતા તે સમયે તેમના હસ્તે તેમના મતવિસ્તારની સરકારી શાળાને સ્માર્ટ સ્કૂલ બનાવી ખુલ્લી મૂકાઈ હતી. જો કે સરકારી સ્માર્ટ સ્કૂલ જર્જરીત થઈ જતાં છેલ્લા ચાર મહિનાથી બંધ કરવાની ફરજ પડી છે. બાળકોની સલામતી જોતા બે માળના બિલ્ડિંગમાં આવેલા તમામ 10 ઓરડા બંધ કરી બાજુની બિલ્ડિંગમાં બાળકોને શિફ્ટ કરી દેવાયા છે. AMC ની સ્માર્ટ સ્કૂલની ગેલેરીનાં છતમાંથી પડતા પોપડા, વર્ગખંડમાં જર્જરીત છત બાળકો માટે મોતનો સામાન બન્યા છે. તેથી બાળકોને કોઈ નુકસાન ન થાય એ હેતુથી સમગ્ર બિલ્ડિંગમાં પ્રવેશ નિષેધ કરી દેવાયો છે.   જો કે બાળકો જર્જરીત બિલ્ડિંગમાં નાં જાય, તેમને કોઈ ઇજા નાં પહોંચે તે માટે માત્ર દોરડા મારીને તંત્ર એ હાલ તો સંતોષ માન્યો છે. પરંતું સ્માર્ટ સ્કૂલ બનાવવાનો શ્રેય લેતું સ્કૂલ બોર્ડ શરમમાં મૂકાઈ તેવી સ્થિતિ ઊભી થઈ છે. સ્માર્ટ સ્કૂલ બનાવવાની ઉતાવળમાં જૂની સ્કૂલોમાં નવા રંગ રોગાન કરી, નવા કપડાં પહેરાવી, 3d પોસ્ટર મારી આંકડાઓ વધારાઈ રહ્યા હોવાની ચર્ચા પણ શરૂ થઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત સ્કૂલ બોર્ડની અમદાવાદમાં આવેલી 450 જેટલી શાળાઓમાં અંદાજે 1.55 લાખ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં સ્કૂલ બોર્ડ દ્વારા અંદાજે 40 જેટલી સ્માર્ટ સ્કૂલ બનાવાઈ છે, જેમાં અનેક સ્કૂલના જૂના બિલ્ડિંગને નવા કપડાં પહેરાવી દેવાયા છે. રાજ્યની સરકારી શાળાઓનાં ઈન્ફ્રાસ્ટ્ક્ચર પર સતત સવાલો ઉઠી રહ્યાં છે. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઉત્તમ શિક્ષણ આપવાનો દાવો કરતું તંત્ર શાળાના જર્જરીત દ્રશ્યો જોઈને મૌન થઈ જાય છે.