Site icon Revoi.in

શ્રીલંકામાં આર્થિક સંકટને કારણે વણસી રહેલી સ્થિતિ વચ્ચે ઈમરજન્સી જાહેર કરવામાં આવી 

Social Share

દિલ્હી:શ્રીલંકામાં આર્થિક સંકટને કારણે વણસી રહેલી સ્થિતિ વચ્ચે ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.રાષ્ટ્રપતિ ગોટાભાયા રાજપક્ષેએ શુક્રવારે મોડી રાત્રે આ જાહેરાત કરી હતી.  શ્રીલંકા આ સમયે ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.દેશમાં ઈંધણની ભારે કટોકટી છે અને લોકોને અનેક કલાકો વીજ કાપનો સામનો કરવો પડી રહ્યો છે.દેશમાં સ્થિતિ એવી છે કે,પેપરની અછતને કારણે તમામ પરીક્ષાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવી પડી છે.

નોંધનીય છે કે,શ્રીલંકા સરકાર હાજર આર્થિક સંકટને લઈને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાન નજીક હિંસક પ્રદર્શનને શુક્રવારે “આતંકી કૃત્ય” ગણાવ્યું હતું.સરકારે આ ઘટના માટે વિરોધ પક્ષો સાથે સંકળાયેલા “ઉગ્રવાદી તત્વો”ને જવાબદાર ઠેરવ્યા હતા.

રાજપક્ષેના નિવાસસ્થાનની બહાર ગુરુવારે સેંકડો પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા,જેમણે દ્વીપ રાષ્ટ્રમાં ભીષણ આર્થિક સંકટને દૂર કરવામાં તેની નિષ્ફળતા બદલ તેમના રાજીનામાની માંગણી કરી હતી. વિરોધ પ્રદર્શનમાં તરત જ હિંસા ફાટી નીકળી હતી. આંદોલન હિંસક બનતા અનેક લોકો ઘાયલ થયા હતા અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.

રાષ્ટ્રપતિના નિવાસસ્થાન નજીકના સ્ટીલ બેરિકેડને તોડી પાડ્યા બાદ પોલીસે દેખાવકારો પર ટીયર ગેસ અને વોટર કેનન છોડ્યા હતા. આ સંબંધમાં કેટલાય લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને કોલંબો શહેરના મોટાભાગના વિસ્તારોમાં થોડા સમય માટે કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો.શ્રીલંકામાં વિદેશી હૂંડિયામણની અછતને કારણે ઇંધણ જેવી આવશ્યક ચીજવસ્તુઓની અછત સર્જાઈ છે.દેશમાં હાલત એવી છે કે,રોજ 13 કલાક વીજ પુરવઠો બંધ રહે છે.