Site icon Revoi.in

જુનાગઢના શાળા પ્રવાસે આવેલી વિદ્યાર્થિનીનું ફન વર્લ્ડમાં વોટરરાઈડની દોરી ફસાતા મોત

Social Share

જુનાગઢઃ પોરબંદરના બાપોદર ગામની શાળાના 51 જેટલાં વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે જુનાગઢના પ્રવાસે આવ્યા હતા. દરમિયાન તમામ વિદ્યાર્થીઓ સુરજ ફન વર્લ્ડ ખાતે આવ્યા હતા, અને વિદ્યાર્થીઓ વિવિધ રાઈડની મજા લઈ રહ્યા હતા એક વિદ્યાર્થિની વોટર રાઈડ નજીક હતી ત્યારે તેના પગમાં ટ્યુબ લઈ જવાની દોરી ફસાઈ જતા અકસ્માત સર્જાયો હતો. 11 વર્ષીય વિદ્યાર્થિનીને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. શાળાના પ્રવાસ દરમિયાન વિદ્યાર્થિનીનું મોત થતા તેમના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. પરિવારજનોએ આ મામલે યોગ્ય તપાસની માગ કરી છે. બીજી તરફ પોલીસે પણ આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ બનાવની વિગતો એવી છે કે, પોરબંદર જિલ્લાના બાપોદર ગામની શાળાના શિક્ષકો શાળાના 51 વિદ્યાર્થીઓને લઈ જૂનાગઢના પ્રવાસે નીકળ્યા હતા. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ જૂનાગઢના અલગ અલગ સ્થળો પર ફર્યા હતા. ત્યારબાદ સાંજે જૂનાગઢમાં આવેલા સૂરજ ફન વર્લ્ડ ખાતે આવ્યા હતા અને વિવિધ રાઈડની મજા માણી રહ્યા હતા. આ સમયે ધોરણ 5ની પાલી ટાપરિયા નામની વિદ્યાર્થિની વોટર રાઈડ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે જ ટ્યુબ લઈ જવા માટેની દોરી તેના પગમાં ફસાતા અકસ્માત સર્જાયો હતો. પાલીને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મોત નિપજતા અન્ય વિદ્યાર્થીઓમાં શોકનો માહોલ છવાયો હતો.

આ બનાવની મૃતક વિદ્યાર્થિનીના પરિવારજનોને કરાતા તેઓ તાત્કાલીક જૂનાગઢ દોડી આવ્યા હતા. મૃતક વિદ્યાર્થિનીના પિતા માણસુરભાઈ ટાપરિયાએ જણાવ્યું હતું કે, મારી દીકરી અહીં જૂનાગઢ પ્રવાસમાં આવી હતી અને તે સૂરજ ફન વર્લ્ડમાં હતી ત્યારે અકસ્માત થયાનું જાણવા મળ્યું છે. તેના પગમાં દોરીની આંટી આવી જવાના કારણે આ અકસ્માત સર્જાયાનું જાણવા મળ્યું છે. અમારી માંગ છે કે અમને પૂરતો ન્યાય મળે. દોરી પગમાં આવી જવાના કારણે મારી દીકરીનું મૃત્યુ થયું છે. સૂરજ ફન વર્લ્ડના જવાબદાર લોકોની બેદરકારીના કારણે આ મૃત્યુ થયું છે.