Site icon Revoi.in

અમદાવાદમાં વાહનોના પાર્કિંગની સમસ્યાના ઉકેલ માટે ખાનગી એજન્સીઓ પાસે સર્વે કરાવાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં રોજબરોજ વધતા જતાં વાહનોને કારણે પાર્કિંગની સમસ્યા વિકટ બની છે. જાહેર રસ્તાઓ પર આડેધડ કરાતા પાર્કિંગને લીધે ટ્રાફિક સમસ્યા વકરતી જાય છે. આથી પાર્કિંગની સમસ્યાના કાયમી નિરાકરણ માટે એએમસી દ્વારા જુદી જુદી ખાનગી એજન્સીઓ પાસે સર્વે કરાવીને અભિપ્રાય માગવામાં આવ્યો છે.

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા માટે અભ્યાસ કરવા જુદી જુદી એજન્સીઓ પાસેથી અભિપ્રાય મંગાવ્યા છે. પાર્કિંગના નિયમન અને યોગ્ય વ્યવસ્થા માટે એજન્સીઓ દ્વારા વિવિધ સ્થળો ઉપર સર્વે કરવામાં આવશે. 5 વર્ષથી લઇને આગામી 20 વર્ષ સુધીના પાર્કિંગ વાહનોને ધ્યાને લઇ સર્વે આપવાનો રહેશે. જેના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગની નીતિ કરી ઓન સ્ટ્રીટ પે એન્ડ પાર્કિંગ, નો પાર્કિંગ ઝોન વગેરે નક્કી કરશે. એક અંદાજ પ્રમાણે શહેરના રસ્તા પર 39 લાખ જેટલા વાહનો પૈકી 7 લાખ જેટલા ફોર વ્હીલર ફરતા હોય છે. આ વાહનોના યોગ્ય પાર્કિંગ તથા નિયમન માટેની યોગ્ય વ્યવસ્થાનો અભ્યાસ કરીને અહેવાલ તૈયાર કરવા માટે એએમસી દ્વારા જુદી જુદી એજન્સીઓ પાસે અભિપ્રાય મંગાવવામાં આવ્યા છે. જેમાં એજન્સી દ્વારા જરૂરીયાત પ્રમાણે કયા સ્થળે પાર્કિંગ ઉપલબ્ધ છે તેનો સર્વે કરીને રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે.

એજન્સી દ્વારા પાર્કિંગ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન, ઓપરેશન પ્લાન, બિઝનેસ પ્લાન, ઓન સ્ટ્રીટ અને ઓફસ્ટ્રીટ પાર્કિંગ પ્રોજેક્ટ, પાર્કિંગ એન્ફોર્સમેન્ટ પ્લાન અને પાર્કિંગ મેનેજમેન્ટ માટે ટેકનીકલ રોડ મેપ તૈયાર કરવાનો રહેશે. પાર્કિંગના ચાર્જમાં પણ પીક અવર્સ અને વીકએન્ડને ધ્યાને લઇ ચાર્જ નક્કી કરવા નાઇટ પાર્કિંગના ડીસ્કાઉન્ટ રેટ નક્કી કરવા, જેમાં કોમર્શીયલ, રહેણાંક અને મીક્સ એરીયા પ્રમાણે પણ ભાવ નક્કી કરવાના રહેશે.

આ ઉપરાંત નાગરીકો રોડ પર ફુટપાથ, સાયકલ ટ્રેક કે અન્ય સ્થળે પાર્કિંગ કરે છે તેની તમામ વિગતો ઉપલબ્ધ કરાવવાની રહેશે. પાર્કિંગ જગ્યા અને તેના ડેટાબેઝની તપાસ કરવાની રહેશે. સરકાર, AMC કે અન્ય તમામ ઓફિસ, શૈક્ષણિક સંકુલના પાર્કિંગના એરીયાની તપાસ કરવાની રહેશે. લોકેશન સાથે પાર્કિંગ માટેના માહિતી ઉપલબ્ધ કરાવવાની રહેશે.