Site icon Revoi.in

ગુજરાતમાં PM સ્વનિધિ યોજના હેઠળ 3.26 લાખ અરજીઓ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક અપાયો

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં તમામ મહાનગરપાલિકાઓ સહિત વિવિધ નગરપાલિકા-જિલ્લાઓમાં પીએમ સ્વનિધી યોજના હેઠળ ફાળવાયેલા લક્ષ્યાંક સફળતાપૂર્વક પૂર્ણ કરાયો હોવાથી આશરે  26,000  લોન અરજીઓના નવા લક્ષ્યાંક સાથે રાજ્યમાં કુલ 3,26,000 અરજીઓ આગામી તા.15મી ઓક્ટોબર,2022 સુધીમાં પૂર્ણ કરવાનો નવો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે અમદાવાદ મહાનગરપાલિકાને એક લાખ, સુરતને 50,000, વડોદરાને 25,000 , રાજકોટને 13000, જામનગરને 9,000, જૂનાગઢને 7,500, જ્યારે ગાંધીનગર અને ભાવનગરને 5000-5000 અરજીઓનો નવો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો છે.

પીએમ સ્વનિધી યોજના અંતર્ગત NPA 1.5 ટકા છે જે બેન્કની કામગીરી અને સદ્ધરતાને કોઈ નૂકસાન કરતા નથી. જેથી, બેંકોને પીએમ સ્વનિધી યોજના અને KCC જેવી યોજનાઓ હેઠળ સક્રિયપણે લોન અરજીઓ મંજૂર કરવા કેન્દ્રિય મંત્રીએ  બેઠકમાં સૂચના આપી હતી. મંત્રીએ બેંકર્સ અને ULBને સૂચન કર્યુ હતું કે અરજદારોએ એક કરતા વધુ વખત બ્રાન્ચની મુલાકાત લેવાની જરૂર પડે નહીં તેવી વ્યવસ્થા કરવી જોઇએ. બેંકોએ એપ્લીકેશન માટે શક્ય તેટલો ઓછો સમય સુનિશ્ચિત કરીને લોન મંજુરી અને ચુકવવાની સુવિધા માટે ટેક્નોલોજીનો પૂરતો ઉપયોગ કરવો જોઇએ.

મંત્રીએ બેંકોને આવી યોજનાઓના સામાજિક હેતુને ધ્યાનમાં રાખીને પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવવા માટે યોગ્ય ઉપાય  શોધવા સૂચન કર્યું હતું. આ બેંકોને સંબંધિત મહાનગરપાલિકા/નગરપાલિકા સાથે પરામર્શ કરીને, તેમની બાકી અરજીઓને મંજુર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ તેમ તેમણે ઉમેર્યુ હતું.

આ પ્રસંગે  ગુજરાતની તમામ મહાનગરપાલિકા/નગરપાલિકા દ્વારા અરજીઓને પુન:રજુ કરવા માટે કરવામાં આવેલી કામગીરીની મંત્રી દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. આ ઉપરાંત લોન અરજીને પરત અથવા રદ કરતા પહેલા સંબંધિત નગરપાલિકાના ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન- GULMના કર્મચારી સાથે સતત સંપર્કમાં રહેવા બેંકોને સૂચના આપતા મંત્રીએ કહ્યું હતું કે  પીએમ સ્વનિધી યોજના અંતર્ગત કોઇપણ લોનની અરજી રદ કરતાં પહેલા સંબંધિત કર્મચારીનો સંપર્ક કરવો જોઇએ. બેંકોને દરેક કામકાજના દિવસમાં બપોર પછીના સમયનો ઉપયોગ પીએમ સ્વનિધી  યોજનાના લાભાર્થીઓના હિત માટે કરવો જોઇએ. આ યોજનાને વધુ સફળ બનાવવા જરૂરી તમામ સહયોગ આપવા મંત્રીએ જણાવ્યું હતું.