Site icon Revoi.in

દિલ્હીમાં શનિવારથી ભાજપાનું બે દિવસીય અધિવેશન યોજાશે

Social Share

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન શનિવારથી નવી દિલ્હીમાં યોજાઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્ય મંત્રીઓ, રાષ્ટ્રીય અને રાજ્ય પક્ષના અધિકારીઓ, સાંસદો અને ધારાસભ્યો સહિત લગભગ 11 હજાર 500 પ્રતિનિધિઓ ભાગ લેશે. પાર્ટીના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, કોન્ફરન્સના પહેલા દિવસે પદાધિકારીઓની બેઠક યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે સમાપન સત્રને સંબોધશે.

રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, આ કાર્યક્રમમાં બે પ્રસ્તાવો લાવવામાં આવશે અને આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, બેઠકમાં વ્યાપક સંગઠનાત્મક એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે અને વિકસિત ભારતની થીમ પર એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે.

આ અધિવેશનમાં આગામી દિવસોમાં યોજાનારી લોકસભાની ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે રાજ્યસભાની 56 બેઠકો ઉપર આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે. જેના ઉમેદવારી ફોર્મ ભરાઈ ચુક્યાં છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગુજરાતમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. જે.પી.નડ્ડાની સાથે ગુજરાતમાંથી ભાજપના ચારેય ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. આ ચારેય બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાય આવે તેવી શકયતા છે. રાજ્યસભાની આ ચૂંટણી માટે ગુજરાતમાં કોંગ્રેસે પોતાનો એક પણ ઉમેદવાર ઉભો રાખ્યો નથી. જે.પી.નડ્ડા ઉપરાંત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને સુધાંશુ ત્રિવેદીએ પણ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે.