Site icon Revoi.in

સુરેન્દ્રનગરમાં 23મી જાન્યુઆરીથી બે દિવસીય ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળશે

Social Share

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં  ભાજપે 156 બેઠકો પર ઐતિહાસિક જીત મેળવી હતી. ત્યારે હવે કાર્યકર્તાઓનો ઉત્સાહ વધે અને જિલ્લાની સ્થિતિનો તાગ મેળવી શકાય તે માટે ભાજપે ગ્રામીણ કક્ષાએ જિલ્લામાં પ્રદેશની કારોબારીની બેઠક યોજવાનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં સૌ પ્રથમ સુરેન્દ્રનગર જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. આગામી 23 અને 24 જાન્યુઆરીના બે દિવસ સુધી સુરેન્દ્રનગરમાં યોજાનારી પ્રદેશની કારોબારીમાં સીએમ, પ્રદેશ અધ્યક્ષ, મંત્રી, ધારાસભ્યો અને સાંસદો સહિત 600 થી વધુ નેતાઓ ઉપસ્થિત રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગરમાં પ્રથમવાર ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક યોજવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. રાજયનું આખુ મંત્રી મંડળ અને સંગઠનની ટીમ આગામી તા.23 અને 24 જાન્યુઆરીએ સુરેન્દ્રનગર જિલ્લામાં આવનારી હોય જિલ્લા ભાજપ પ્રમુખ અને નાયબ દંડક જગદીશ મકવાણા, મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, જયેશ પટેલ સહિતની ભાજપની ટીમ કામે લાગી ગઇ છે. પંડિત દિનદયાળ હોયલમાં યોજાનારી આ બેઠકમાં ભૂતકાળનુ મુલ્યાંકન વર્તમાનના લેખા જોખા અને ભવિષ્યની રણનીતી ઘડવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ મળેલી કારોબારીમાં જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેની પણ કાર્યકર્તાઓને જાણકારી આપવામાં આવશે. આ પ્રયોગથી કાર્યકર્તાઓના ઉત્સાહમાં વધારો કરવાની સાથે શહેર અને ગામડામાં ભાજપની શું સ્થિતિ છે. શું સારી બાબત છે અને કયા કચાશ છે તેની પણ વિગતો મેળવીને ગ્રાઉન્ડ રીપોર્ટ તૈયાર કરાશે. તેમજ  જિલ્લાના કાર્યકર્તાઓ સીધા જ મંત્રીઓ અને સંગઠનના નેતાઓના સીધા સંપર્કમાં પણ આવી શકશે. મુખ્ય મંત્રી સર્કીટ હાઉસ ખાતે રાકાણ કરશે. સી.આર.પાટીલ તથા કેબીનેટ અને રાજય કક્ષાના મંત્રીઓ કોના ઘરે રોકાશે તેનો નિર્ણય આગામી બેઠકમાં લેવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે જ્યારે પણ  ભાજપની કારોબારીની જે જિલ્લામાં કે સ્થળે બેઠક બોલાવવામાં આવતી હોય છે ત્યારે નેતાઓ અલગ અલગ હોટલોમાં રોકાણ કરતા હોય છે પરંતુ આ વખતે પ્રથમ વાર ભાજપે એવુ આયોજન કર્યુ છે કે નેતાઓ હોટલમાં નહી પરંતુ કાર્યકર્તાઓના ઘરે રોકાશે. તેના માટે એક કાર્યકર્તાના ઘરે બે નેતાને રોકાવાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. ભાજપે આ ઉતારાનો જે પ્રથમવાર પ્રયોગ કર્યો છે તેમાં ખાસ કરીને ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા કાર્યકરો છે તેવા અને યુવા કાર્યકરોને પ્રોત્સાહન આપવા માટેનું વિશેષ આયોજન છે. મોટા ગજાના નેતાઓ જુના અને યુવા કાર્યકર્તાઓને ત્યા રોકાય તો તેમનો પણ ઉત્સાહ વધારવાનું ભાજપનું આયોજન છે.