Site icon Revoi.in

અમદાવાદના શાહીબાગમાં કેમ્પના હનુમાન અને સ્વામિનારાયણ મંદિર પાસે બે ફુટ બ્રિજ બનાવાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા રોડને ક્રોસ કરવો રાહદારીઓ માટે મુશ્કેલ બનતો હોય છે. જેમાં શાહિબાગ વિસ્તારમાં કેમ્પના હનુમાનજીના મંદિરમાં અને  સ્વામિનારાયણ મંદિરમાં દર્શન માટે આવતા લોકોને રસ્તો ઓળંગવો મુશ્કેલ બની રહ્યો છે. ત્યારે આ રસ્તા પર બે ફુટ ઓવરબ્રિજ બનાવવાનો મ્યુનિ.કોર્પોરેશને નિર્ણય લીધો છે. બે ફૂટ ‌ઓવરબ્રિજ બનાવવા માટે મ્યુનિ. દ્વારા ટેન્ડરિંગ કરતાં 4.70 કરોડના ખર્ચની દરખાસ્ત રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી સમક્ષ રજૂ થઇ છે. બંને ફૂટ ઓવરબ્રિજમાં સીડી ઉપરાંત લિફ્ટ પણ લગાવવામાં આવશે જેથી જે લોકો સીડી ચઢી ન શકે તેઓ લિફ્ટનો ઉપયોગ કરીને રસ્તો પસાર કરી શકશે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના શાહિબાગ વિસ્તારમાં કેમ્પના હનુમાન મંદિર અને શાહિબાગ મંદિરના મુખ્ય રસ્તા પર બે ફુટ ઓવરબ્રિજ બવાવવામાં આવશે. જે માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.મ્યુનિ.એ 12 મહિનામાં બ્રિજ બનાવી દેવાની શરત ટેન્ડરમાં મૂકી છે. બ્રિજમાં સિવિલ પ્રકારની કામગીરીનો ખર્ચ 2.41 કરોડ અને ઈલેક્ટ્રિક કામનો રૂ. 1.52 કરોડ ખર્ચ થશે. આ ફૂટ ઓવરબ્રિજનો સ્પાન 24.95 મીટરનો હશે. તેમજ પહોળાઈ 3 મીટર રાખવામાં આવી છે. બ્રિજ રોડથી 5.5 મીટર ઊંચો રહેશે. બંને છેડા પર સીડીની વ્યવસ્થા રાખવામાં આવી છે. સાથે બંને છેડે 20 પેસેન્જરની ક્ષમતાવાળી લિફ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવશે. સ્વામિનારાયણ મંદિર ગેટ પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે 24 મીટરનો ક્લિયર સ્પાન બનાવાશે. સાથે બ્રિજની પહોળાઇ 3.50 મીટર રહેશે. સાથે રોડથી 5.5 મીટરથી ઊંચો હશે. ફૂટ ઓવર બ્રિજના બંને છેડે સીડી રાખવામાં આવી છે. તે ઉપરાંત 20 લોકોની ક્ષમતાવાળી લિફ્ટ પણ હશે

અત્રે ઉલ્લેખનીય છે કે, મ્યુનિ.એ બજેટમાં પણ આ બે ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરવાનું દર્શાવવામાં આવ્યું હતું. ત્યારે તેને અનુસંધાને આ દરખાસ્ત રજૂ થઈ છે. બંને ફૂટ ઓવરબ્રિજ શરૂ થતાં અનેક લોકોને આ રોડ પસાર કરવામાં મોટી મદદ મળશે. સામે અકસ્માતની શક્યતાઓ પણ ઘટી જશે. વાહનચાલકો માટે પણ આ વધુ સરળ બનશે.