Site icon Revoi.in

અમદાવાદમાં માણેકચોકની ઝૂંપડીની પોળમાં બે માળનું મકાન ધરાશાયી, એકનું મોત

Social Share

અમદાવાદઃ શહેરના માણેક ચોક વિસ્તારમાં ઝૂંપડીની પોળમાં આવેલું બે માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. બનાવની જાણ છતાં ફાયર વિભાગના લાશ્કરો બચાવની કામગીરી માટે દોડી ગયા હતા. અને મકાનના કાટમાળમાં ફસાયેલા ત્રણ વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને કાટમાળમાંથી બહાર કઢાયા હતા. જોકે સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મજબ શહેરના  માણેકચોક વિસ્તારમાં ઝૂંપડીની પોળ સાંકડી શેરીમાં  બે માળનું મકાન ધરાશાયી થતાં કાટમાળમાં ત્રણ  લોકો ફસાયા હતા. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો  કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડને ટીમે રેસ્ક્યૂ કરીને કાટમાળમાંથી તમામને બહાર કાઢ્યા હતા. જોકે કાટમાળમાં બહાર કઢાયા બાદ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું હતું.

શહેરના ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઝૂંપડીની પોળ સાંકડી શેરી માણેક ચોક વિસ્તારમાં બપોરે સમયે જૂનું બે માળનું મકાન ધરાશાયી થયું હતું. ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મકાનના કાટમાળમાં 3 લોકો ફસાયા હતા. ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કાટમાળમાં ફસાયેલો એક યુવક કણસતો હતો. ત્યારે ફાયરની ટીમે તેને ધરપત આપીને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તમામને સારવારાર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે કાટમાળમાં પહેલા માળે ફસાયેલા વૃદ્ધને ફાયરની ટીમે રેસ્ક્યૂ કરીને ઉતાર્યા હતા. પંરતુ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

ફાયરબ્રિગેડના સૂત્રોએ ઉમેર્યું હતું કે, માણેકચોક સાંકડી શેરીમાં ધરાશાયી બનેલું મકાન આશરે 60 વર્ષથી વધુ જૂનું હતું. ફાયર ઇમરજન્સી વિભાગના નજીકના ફાયર સ્ટેશનથી રેસ્ક્યૂ ફર્સ્ટ રિસ્પોન્સ વિહિકલ અને સ્ટાફ પહોંચીને સર્ચ ઓપરેશન કરતા કુલ ત્રણ વ્યક્તિને રેસ્ક્યૂ કરીને નજીકના હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ કોલ પર 2 ઈમરજન્સી વાન, 1 MFT, 5 ફર્સ્ટ રિસ્પોન્સ વિહિકલ, એક ચીફ ફાયર ઓફિસર, એક એડિશનલ ચીફ ફાયર ઓફિસર, 2 ડીએફઓ અને એક એટીઓ તથા 20 ફાયર ફાઈટર જોડાયા હતા.