Site icon Revoi.in

સુરત શહેરમાં ત્રણ શ્વાનોએ બચકા ભર્યા બાદ સારવાર દરમિયાન બે વર્ષની બાળકીનું મોત

Social Share

સુરત: શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતો જાય છે. અગાઉ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોને અનેકવાર રજુઆતો કરવા છતાં મ્યુનિ.નું તંત્ર રખડતા કૂતરાની વસતીને નિયંત્રિત કરવામાં ઉદાસિન રહ્યું છે. તાજેતરમાં શહેરના  ખજોદ વિસ્તારમાં ત્રણ જેટલા શ્વાનોએ 2 વર્ષીય બાળકીને બચકાં ભર્યા હતા. જેમાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઇ હતી. બાળકીના શરીર પર 30થી વધુ શ્વાનોના કરડવાના નિશાન હતા. બાળકીની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ ગત રાતે બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  સુરત શહેરમાં ગત રવિવારે એટલે કે 19 ફેબ્રુઆરીના રોજ ખજોદ વિસ્તારમાં ત્રણ જેટલા શ્વાનોએ 2 વર્ષીય બાળકીને બચકાં ભર્યા હતા જેમાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઇ હતી. બાળકીના શરીર પર 30થી વધુ શ્વાનોના કરડવાના નિશાન હતા. બાળકીની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ ગત રાતે બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મૂળ પશ્ચિમ બંગાળના વતની રવીભાઈ કહાર પોતાની પત્ની અને બે બાળકો સાથે ખજોદ વિસ્તારમાં રહે છે અને મજુરી કામ પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રવિવારે એટલે કે 19 ફેબ્રુઆરીના રોજ તેમની 2 વર્ષીય બાળકી રમી રહી હતી. તે વેળાએ ત્રણ જેટલા શ્વાનોએ બાળકીને બચકા ભર્યા હતા. બાળકી ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

સિવિલ હોસ્પિટલના તબીબોને બાળકીની સારવાર કરતા જાણવા મળ્યું હતું કે બાળકીના માથા અને શરીરના અન્ય ભાગો પર 30 થી 40 જેટલા શ્વાનોના કરડવાના ગંભીર પ્રકારના નિશાન હતા. બાળકીની હાલત ગંભીર હોય બાળકીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. એટલું જ નહી બાળકીનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ 3 દિવસની સારવાર બાદ બાળકીનું ગતરાત્રીના સમયે દુઃખદ નિધન થયું હતુ. બાળકીના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

સુરત સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, બાળકીને અધ્યતન સારવાર ગાઈડ લાઈન મુજબ આપવામાં આવી હતી. બાળકીનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. બે થી ત્રણ કલાક જેટલો ઓપરેશનનો સમય લાગ્યો હતો. ઓપરેશન બાદ પણ બાળકીને તમામ પ્રકારની સારવાર અપાઈ રહી હતી. પરંતુ કમ નસીબે બાળકીનું નિધન થયું છે. બાળકીને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.  દરમિયાન બાળકીના પિતા રવિભાઈએ જણાવ્યું હતું કે અમે કામે હતા અને બાળકો ઘરે રમતા હતા. તે સમયે મને જાણ થઇ હતી કે મારી બે વર્ષની દીકરીને શ્વાનોએ બચકા ભર્યા હતા. જેથી બાળકીને સિવિલ હોસ્પિટલ લઇ આવતા તેની અહી સારવાર ચાલી રહી હતી. આજે બાળકીનું મોત થયું છે. 3 જેટલા શ્વાનોએ દીકરીને બચકાં ભર્યા હતા.