Site icon Revoi.in

સુરતમાં શાળા પ્રવેશોત્સવ ટાણે જ આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તા બાખડી પડ્યાં

Social Share

સુરતઃ શહેરમાં ભાજપના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે અવાર-નવાર માથાકૂટ ચાલતી હોય છે. શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા પ્રવેશોત્સવ ઊજવણી ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અલગ-અલગ મુદ્દાઓને ઊઠાવવામાં આવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી પ્રવેશ ઉત્સવને લઈને આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે. અને ભારતીય જનતા પાર્ટીના શાસકોની હાજરી હોય ત્યાં શાળાઓમાં વાલીઓની હાજરીમાં તેમની સામે રજૂઆત કરવામાં આવી રહી છે.જે અંતર્ગત શનિવારે ધારાસભ્ય કાનાણીની હાજરીમાં રજૂઆત કરતી વખતે આપ અને ભાજપના કાર્યકરો બાખડી પડતા પોલીસને ઘટના સ્થળે બોલાવવાની ફરજ પડી હતી.જોકે આપના વિપક્ષના નેતાએ કહ્યું કે, ભાજપના કાર્યકરોએ આપના કાર્યકરોને માર મારીને કારના કાચ પણ તોડી નાખ્યાં હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં મમતા પાર્ક પાસેની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ધારાસભ્ય કુમાર કાનાણી હાજર રહેવાના હોવાની જાણ થતાની સાથે જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ધારાસભ્યને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા આપ’ના કાર્યકર્તાઓ શાળામાં પહોંચે તે પહેલા જ માથાકૂટ શરૂ થઈ ગઈ હતી. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ધક્કે ચઢાવવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 4ના કોર્પોરેટરોને શાળામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરાયો અને ત્યારબાદ તેમને ફરીથી શાળાની અંદર બોલાવી લેવાયા અને બહાર પોલીસ બોલાવી લેવામાં આવી હતી. થોડા સમય માટે ભારે હોબાળો મચી ગયો હતો.

આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને શાળાની અંદર જાણે બંધક બનાવી દીધા હોય એ રીતે બેસાડી રાખવામાં આવ્યા હતા. આ બાબતની જાણ થતા આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા સહિતના આપના કોર્પોરેટર અને હોદ્દેદારો ત્યાં પહોંચી ગયા હતા. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા કેટલાક મુદ્દાઓની રજૂઆત કરવા માટે ધારાસભ્ય કુમાર કાનાણી સુધી પહોંચવા દેવામાં આવ્યા ન હતા. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા રજૂઆત કરવામાં આવી રહી હતી કે, જે શાળા ચાલે છે. તેની આસપાસ મટનની દુકાનો ધમધમી રહી છે. તેમ જ દારૂના જુગારના દાવ પણ ચાલી રહ્યા છે. વિદ્યાર્થીઓ જ્યારે આ રસ્તામાંથી પસાર થાય છે. ત્યારે આ દારૂડિયાઓ અન્ય દારૂ પીને મસ્તી કરતા હોય છે. તેને કારણે વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી થતી રહે છે. છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા શાળા આસપાસ ચાલતુ ન્યુસન્સ બંધ કરવા માટે કોઈ રસ દાખવવામાં આવ્યો નથી. માત્ર શાળા પ્રવેશોત્સવના નામે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે, જ્યારે અમને આ ઘટનાની જાણ થઈ ત્યારે અમે શાળા ઉપર પહોંચતાં જ અમને શાળાની અંદર જ પૂરી દીધા હતા. પણ શાળામાં પહોંચતા પહેલા જે બહાર લુખ્ખા તત્વો ઉભા હતા. તેમની સાથે જ કુમાર કાનાણી પણ ત્યાં જ ઉભા હતા. મારી સરકારી ગાડી ઉપર પણ આ લોકોએ માથાભારે  તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. કારના કાચ તોડી દેવામાં આવ્યા છે. અમારા અન્ય કોર્પોરેટર ઉપર પણ હુમલો કરી દેવામાં આવ્યો છે. અમારા કોર્પોરેટર ભાવેશ ઇટાલીયાના કપડા ફાડી નાખવામાં આવ્યા છે.