Site icon Revoi.in

ગાંધીનગરમાં જ્ઞાન સહાયક વિરોધી કાર્યક્રમના કોંગ્રેસી મંચ પર AAPના યવરાજસિંહની હાજરી

Social Share

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવામાં આવતી હોવાથી શિક્ષકોની કાયમી ભરતીની રાહ જોઈ રહેલા ટાટ અને ટેટ પાસ કરેલા ઉમેદવારોના અરમાનો પર પાણી ફરી વળ્યું છે. આથી જ્ઞાન સહાયકો ભરતી સામે ઘણા સમયથી લડત ચાલી રહી છે, આ લડતને કોંગ્રેસે પણ ટેકો આપ્યો છે. ગાંધીનગરમાં  સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારોના સમર્થનમાં કોંગેસ દ્વારા જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં ધરણા પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસ દ્વારા ‘શિક્ષણ બચાવો’ ધરણા પ્રદર્શન કરાયું હતું. જેમાં આમ આદમી પાર્ટીના યુવરાજસિંહ જાડેજા પણ મંચ ઉપર ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણી ખાતે યોજાયેલા કોંગ્રેસના  ધરણા પ્રદર્શનમાં રાજ્યના  વિવિધ જિલ્લામાંથી શિક્ષિત બેરોજગાર યુવાનો પણ જોડાયા હતા. સાથે જ જ્ઞાન સહાયક યોજનાના વિરોધના ધરણામાં આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા પણ જોડાયા હતા.યુવરાજસિંહ કોંગ્રેસના સ્ટેજ પર નેતાઓની સાથે દેખાયા હતા. સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસના ધરણા પ્રદર્શનમાં કોંગ્રેસના અમિત ચાવડા, આદિવાસી નેતા તથા ધારાસભ્ય અનંત પટેલ સહિતના નેતાઓ જોડાયા હતા. જેમની સાથે સ્ટેજ પર આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દેખાતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે. અને યુવરાજસિંહ કોંગ્રેસમાં જોડાશે એવી અટકળો થવા લાગી હતી. આ પહેલા યુવરાજસિંહ થરાદમાં કોંગ્રેસના ધારાસભ્ય  ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ ઠાકોર સાથે ભોજન લેતા દેખાયા હતા. ત્યારે હવે ફરી તેઓ કોંગ્રેસના નેતાઓ સાથે દેખાતા ફરી એકવાર અનેક ચર્ચાઓ ઉઠી છે.

રાજ્યમાં છેલ્લા અઢી માસથી જ્ઞાન સહાયક યોજના મામલે ટેટ, ટાટ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ત્યારે પહેલેથી યુવરાજ સિંહ ઉમેદવારોની પડખે હાજર રહીને તેમના આંદોલનને ટેકો આપી રહ્યા છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જનમચ કાર્યકમ હેઠળ જ્ઞાન સહાયક યોજના રદ કરવાનો પ્રતિક ધરણા કાર્યકમ આયોજિત કર્યો હતો. મોટી સંખ્યમાં ઉમેદવાર ઘરણા સ્થળે પહોંચીને સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા કોંગ્રેસના કાર્યકમમાં અચાનક આવતા ઉમેદવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. યુવરાજસિહે આ મામલે જણાવ્યું હતું કે ઉમેદવારની માગને ધ્યાને રાખીને આંદોલન સ્થળે આવ્યો છું . સરકાર જે કાળો કાયદો લાવી છે તે કાયદો પરત ખેંચવામાં આવે, વિધાર્થીઓ પ્રશ્ને જે રાજકીય પક્ષો લડશે તેની સાથે હું લડત લડીશું, મારા માટે વિદ્યાર્થીઓ પહેલાં છે. વિદ્યાર્થીઓની લડત માટે રાજકીય પક્ષ જોવાય નહિ, તેમને ન્યાય અપાવવાનું મારું કામ છે.