Site icon Revoi.in

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આવતા જહાજો પર 2.5 ટકા કસ્ટમ ડ્યુટી નાબુદ કરોઃ શક્તિસિંહ ગોહિલની સંસદમાં રજુઆત

Social Share

ભાવનગરઃ અલંગ શિપબ્રેકિંગ ઉદ્યોગને લીધે ગોહિલવાડ પંથકનો સારોએવો વિકાસ થઈ શક્યો છે. અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગને નડતા પ્રશ્નો અને થઇ રહેલા અન્યાયનો અવાજ સંસદમાં રાજ્યસભાના સાંસદ અને ભાવનગર જિલ્લાના વતની શક્તિસિંહ ગોહિલે ઉપાડ્યો હતો. રાજ્યસભામાં એરપોર્ટના ખાનગીકરણ બાદ દેશના મુખ્ય 12 બંદરોના ખાનગીકરણની હિલચાલ અને માનીતા ઉદ્યોગપતિને આ બંદરો પધરાવી દેવાની સરકાર પેરવી કરી રહી હોવાના આક્ષેપ સાથે સાંસદ શક્તિસિંહ ગોહિલે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા મારા જિલ્લાના જ છે અને અલંગ માટે ધ્યાન આપી રહ્યા છે, છતા ભાવનગર અને અલંગના વિકાસ માટે હજુ વધુ ધ્યાન આપવાની અને પડતર પ્રશ્નો ઉકેલવાની જરૂરીયાત હોવાની મીઠી ટકોર કરી હતી.

રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે  અલંગનો પ્રશ્ન ઉઠાવીને રજુઆત કરી હતી કે,  શિપ રીસાયકલિંગ એક્ટ વર્ષ 2019માં પસાર થઇ ચૂક્યો છે, પરંતુ બે વર્ષ વિતિ ગયા હોવા છતા તેના અમલીકરણમાં સુસ્તતા વર્તવામાં આવી રહી છે. રી-રોલિંગ મિલોમાં કાચા માલ તરીકે વપરાતો સ્ક્રેપ આયાત કરો તો તેના પર કોઇપણ પ્રકારની ડ્યુટી નથી. પરંતુ સ્ક્રેપ માટે અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં આવતા જહાજો પર 2.5 ટકા કસ્ટમ ડ્યુટી વસુલવામાં આવે છે ઉપરાંત અનેક પ્રત્યક્ષ અને પરોક્ષ વેરાના ભારણને કારણે અલંગના શિપબ્રેકરો પડોશી દેશોની હરિફાઇમાં ટકી રહેવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે તત્કાળ અસરથી શિપબ્રેકિંગ માટે આવતા જહાજો પરની 2.5 ટકા કસ્ટમ્સ ડ્યૂટી નાબૂદ કરવી જરૂરી હોવાનું જણાવ્યુ હતુ. શિપ રીસાયકલિંગ એક્ટ વર્ષ 2019માં બની ચૂક્યો છે, તો બે વર્ષથી તેનો અલંગમાં અમલ શા માટે કરવામાં આવી રહ્યો નથી? તેવા વેધક પ્રશ્નો ઉઠાવી ગોહિલે અલંગના અવાજને ઉઠાવ્યો હતો.