Site icon Revoi.in

ગાંધીનગરમાં 400 જેટલા જુના સરકારી મકાનો તોડીને નવા કોર્પોરેટ લૂક સાથેના આવાસો તૈયાર કરાશે

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓના ક્વાટર્સ ખૂબજ જુના અને જર્જરિત બની ગયા છે. જે અન્વયે સેક્ટર – 28 અને 29 માં દાયકા જુના જર્જરિત 400  સરકારી આવાસો તોડી પડાશે.  આ મકાનો તોડી નાખ્યા પછી પ્લોટ ખુલ્લો કરીને નજીકના ભવિષ્યમાં અહીં પણ નવા આવાસોનું નિર્માણ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરના એકથી ત્રીસ સેક્ટરમાં જુદી જુદી કક્ષાના રહેણાંક મકાનો દાયકા જુના અને જર્જરિત બની ગયા હોવાથી રહેવા લાયક રહ્યા નથી. પાટનગરમાં આશરે 8 હજાર આવાસોમાં હાલ કર્મચારીઓનો વસવાટ છે. ત્યારે જુના અને જોખમી આવાસો તોડીને નવા મકાનો પણ બાંધવામાં આવી રહ્યા છે. સેક્ટર 6, સેક્ટર – 7, સેક્ટર – 29 અને 30 માં નવા આવાસો બાંધવામાં આવ્યા છે ત્યારે હજુ પણ શહેરમાં નવા કોર્પોરેટ લુક ધરાવતા આવાસોના નિર્માણ માટે નવા ટાવરો ઉભા કરવામાં આવશે. જોકે, જુના મકાનો તોડવામાં આવ્યાં બાદ પણ ખુલ્લી થયેલી જગ્યા પર સાઇટની પસંદગીમાં પણ વિલંબ થઇ રહ્યો છે. જેના લીધે નવા આવાસો બાંધવાની યોજના પણ ઝડપથી પુર્ણ થઇ શકતી નથી. આ સ્થિતિ વચ્ચે જુના આવાસોનો પણ નિકાલ કરવામાં આવી રહ્યો છે. શહેરનાં સેક્ટર – 9 માં જુના આવાસો તોડવાનુ કામ પુર્ણતાના આરે છે. જયારે હવે સેક્ટર – 28 અને સેક્ટર – 29માં જુના જોખમી આવાસો તોડવામાં આવશે. આ મામલે તંત્ર દ્વારા જ, છ અને ચ કક્ષાના જોખમી આવાસો તોડવા માટે અગાઉ વિભાગને દરખાસ્ત કરી હતી.
​​​​​​​​​​​​​​ આ દરખાસ્તના અંતે આ બન્ને સેકટરોમાં ટુંકમાં જ અંદાજિત 400 જેટલા જુના અને જોખમી મકાનો તોડવાનુ કામ હાથ ધરવામાં આવશે. શહેરના સેકટર – 6,7,12,13 અને 16 માં પણ અગાઉ જોખમી આવાસો તોડવામાં આવ્યા હતા આવાસો ને જમીન દોસ્ત કરવા સહીત કેટલાક બ્લોક રહેણાંકને લાયક યોગ્ય કરવા માટે રીનોવેશન હેઠળ પણ આવરી લેવામાં આવ્યાં છે.