Site icon Revoi.in

ડીસા-રાધનપુર હાઈવે પર છકડો રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, બેનાં મોત

Social Share

પાલનપુરઃ  બનાસકાંઠા જિલ્લામાં  ગત મોડી સાંજે ડીસા રાધનપુર નેશનલ હાઈવે  પર આવેલા ભીલડી ગામ પાસે અકસ્માત  સર્જાયો હતો. છકડો રિક્ષા અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સાસુ-વહુનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 13 લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે ઘટના સ્થળે દોડી જઈને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

આ અકસ્માતના બનાવની એવી વિગતો જાણવા મળી છે કે, બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખારીયા- પાટણ ગામનો ઠાકોર પરિવાર ડીસા તાલુકાના વડાવલ ગામે સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાંથી છકડો રિક્ષામાં પરત જઈ રહ્યા હતા,  તે દરમિયાન ભીલડી પાસે પાછળથી આવી રહેલા કારના ચાલકે છકડો રિક્ષાને જોરદાર ટક્કર મારતા  અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં છકડા રિક્ષા  પલટી ખાતા તેમાં બેઠેલા સાસુ-વહુ કચડાતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 13 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો અને 108 એમ્બ્યુલન્સમાં તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને ઈજાગ્રસ્તોને સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી વખતે ઠાકોર પરિવાર ને નડેલા અકસ્માતમાં સાસુ વહુ નું મોત નીપજતાં પરિવાર માતમ છવાયો હતો. બનાસકાંઠામાં માર્ગ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. હવે હાઈવે પર સ્પીડ નિયંત્રણ જરૂરી બન્યું છે.  ઠાકોર પરિવાર કાંકરેજના ખારીયા-પાટણ ગામનો હતો. આ અતસ્માતના બનાવની જાણ થતાં ગામમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું.