Site icon Revoi.in

અમદાવાદના એસજી હાઈવે પર ઝાયડસ બ્રીજ પર રખડતા ઢોરને લીધે અકસ્માત સર્જાયો

Social Share

અમદાવાદઃ શહેરમાં રખડતા ઝોર પકડવાની ઝૂંબેશ ચાલી રહી છે, ત્યારે જ એસજી હાઈવે પરના ઝાયડસ બ્રિજ પર રખડતા ઢોરને કારણે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રકના ડ્રાઈવરને ઈજા થતા તેને સારવાર માટે સોલા સિવિલમાં ખસેડાયો હતો.

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરને લીધે ભૂતકાળમાં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. હાલ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા ઝોર પકડવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. મ્યુનિ.ના સીએનસીડી વિભાગે 3 દિવસમાં 297 ઢોર પકડ્યા છે. જાહેર રોડ પર ત્રાસરૂપ બનેલા ઢોર લગભગ રોડ પર દેખાતા બંધ થઇ ગયા છે.  દરમિયાન સોમવારે  સવારે રખડતા ઢોરના લીધે ઝાયડસ બ્રિજ પર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઝાયડસ બ્રિજ પર અચાનક ઢોર આવી જતાં અકસ્માત સર્જાયો હોવાનું ટેમ્પોચાલકે જણાવ્યું હતું. બંને વાહન ચાલકોને ઇજા પહોંચી હતી જ્યારે ઢોરનું મોત નિપજ્યું હતુ. ટ્રાફિકથી ધમધમતા બ્રિજ પર ઢોર કેવી રીતે આવ્યું તે પ્રશ્ન છે. ઝાયડસ બ્રીજ પર રખડતા ઢોરને લીધે અકસ્માત સર્જાયા બાદ ટ્રાફિક જામ થઈ ગયો હતો. એસજી હાઈવે રાતના સમયે રખડતા ઢોર વધુ જાવા મળી રહ્યા છે. રાત્રે પૂર ઝડપે આવતા વાહનચાલકોને નજીક આવતા જ ઢોર જોવા મળે છે. એટલે રાતના સમયે પણ ઢોર પકડવાની કામગીરી કરવી જોઈએ તેવી લોકોમાં માગ ઊઠી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની સીઝન આવતાની સાથે શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જોવા મળે છે. રખડતા ઢોર ખાસ ચોમાસાની સીઝનમાં સામાન્ય જગ્યાઓ પર ભીની જગ્યાઓ હોવાને લીધે ઢોર રોડ રસ્તા પર આવીને બેસી જતા હોય છે. ત્યારે આ રસ્તા પર બેઠેલા ઢોરને લઇ શહેરીજનોમાં અકસ્માતની ભય વધ્યો છે.