Site icon Revoi.in

પરીક્ષામાં ગેરરિતી અટકાવવા બોર્ડનો એક્શન પ્લાન, વર્ગખંડમાં લગાવેલા CCTV કેમેરા 3 વાર ચેકીંગ થશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની તા. 14મી એપ્રિલના રોજ પ્રારંભ થશે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતી અટકાવવા માટે બોર્ડ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પરીક્ષામાં પરીક્ષા ખંડોમાં સીસીટીવી કેમેરા વડે વિદ્યાર્થીઓ ઉપર નજર રાખવામાં આવશે. આ ઉપરાંત મોનિટરિંગ ટીમ સતત નજર રાખશે. બોર્ડની પરીક્ષામાં ક્લાસરૂમના સીસીટીવી વીડિયોને ત્રણ વખત ચેક કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સીસીટીવીનું મોનિટરિંગ માત્ર સ્કૂલ સમય પૂરતું નહીં રહે, પરંતુ પરીક્ષાના વર્ગખંડના સીસીટીવી ત્રણ વાર તપાસાશે. અમદાવાદમાં ક્લાસરૂમના CCTV વીડિયોને ચેક કરવા માટે 3 ટીમ બનાવવામાં આવી છે. દરેક ટીમમાં 15 શિક્ષકોને રાખવામાં આવ્યા. અમદાવાદમાં 45 શિક્ષકો સીસીટીવીની તપાસ કરશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. ધોરણ 10ની પરીક્ષા 14મી માર્ચથી 28મી માર્ચ સુધી ચાલશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 29મી માર્ચ સુધી ચાલશે તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 25મી માર્ચ સુધી ચાલશે. કુલ 16 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોરી કરનાર વિદ્યાર્થી 2 વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહીં. ચોરી કરનાર અને કરાવનારા બન્ને વિદ્યાર્થીઓએ 2 વર્ષ સુધી ઘરે બેસવું પડશે. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં હથિયાર સાથે પકડાશે તો તે વિદ્યાર્થી આજીવન પરીક્ષા આપી શકશે નહીં. બોર્ડે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપી છે કે, સીસીટીવીની વ્યવસ્થાની તપાસ કરવામાં આવે. પહેલાં પરીક્ષા દરમિયાન સીસીટીવીનું લાઇવ મોનિટરિંગ થશે, જ્યાર બાદ જિલ્લા કક્ષાએ અધિકારીઓની ટીમ સીસીટીવી વીડિયોની તપાસ કરશે. ત્યાર બાદ ત્રીજા તબક્કામાં બોર્ડ દ્વારા રેન્ડમલી સ્કૂલોના સીસીટીવીની તપાસ કરાશે