Site icon Revoi.in

ગાંધીનગરમાં સરકારી ક્વાટર્સ ખાલી ન કરનારા 100થી વધુ કબજેદારો સામે પગલાં લેવાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતની રાજધાની હોવાથી ગાંધીનગર શહેરમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને રહેવા માટે ક્વાટર્સ સુવિધા આપવામાં આવે છે. ઘણા કર્મચારીઓ પોતાની નિવૃતિ બાદ પણ સરકારી ક્વાટર્સ ખાલી કરતા નથી. બીજી બાજુ કવાટર્સ મેળવવા માટે કર્મચારીઓનું વેઈટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે. પાટનગર યોજના વિભાગના સરકારી મકાનોમાં રહેતા 100 જેટલા પૂર્વ કર્મચારીઓ છે. કે જેઓ નોટિસો આપવા છતાયે મકાન ખાલી કરતા નથી. આખી કડક પગલાં લઈને સરકારી મકાનો ખાલી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગાંધીનગરમાં પાટનગર યોજના વિભાગ દ્વારા કર્મચારીઓના નિવાસ માટે 5 દશક પહેલાં સેક્ટર વિસ્તારમાં આવાસોનું નિર્માણ કરવામાં આવ્યુ છે. હજારોની સંખ્યામાં કર્મચારીઓને આવાસની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ નિવૃત્તિ કે પછી અવસાન અને બદલી બાદ પણ કર્મચારીઓ દ્વારા આવાસ ખાલી કરવામાં આવતા નથી. પાટનગર યોજના વિભાગ દ્વારા વિવિધ સેક્ટરમાં ગેરકાયદે કબજો ધરાવનારા 100 જેટલાં રહેવાસીઓને સત્વરે આવાસ ખાલી કરાવવા કડક કાર્યવાહી કરવામાં આવશે.

સૂત્રોએ વધુમાં જમાવ્યું હતું કે, પાટનગર યોજના વિભાગ દ્વારા અંદાજીત 6000 જેટલાં આવાસોને ભયજનક આવાસની કેટેગરીમાં સમાવવામાં આવ્યાં છે. તેમજ આવાસ મેળવવા માટે કર્મચારીઓનું વેઈટીંગ પણ લાંબુ છે, તથા નવા આવાસોનું નિર્માણ હાલના તબક્કે પ્રગતી હેઠળ છે, ત્યારે અનઅધિકૃત રીતે રહેતાં કર્મચારીઓ પાસેથી તંત્ર દ્વારા સત્વરે આવાસ ખાલી કરાવવાની તજવીજ હાથ ધરાઇ છે. જેથી કરીને જરૂરીયાતમંદ કર્મચારીને આવાસ ફાળવીને વેંઈટીંગનું ભારણ ઘટાડી શકાય.જો કે આ કિસ્સામાં આગામી દિવસોમાં ખાલી કરાયેલા આવાસોને ભયજનક કેટેગરીમાં તંત્ર દ્વારા સમાવાશે તો વેઈટીંગનું ભારણ હળવું થવું મુશ્કેલ છે.