Site icon Revoi.in

ખોટી રીતે ખેડૂત બનીને સરકારની યોજનાઓના લાભ લેનાર સામે થશે કાર્યવાહીઃ રાજેન્દ્ર ત્રિવેદી

Social Share

અમદાવાદઃ મહેસુલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ખેડા જિલ્લાની માતર મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી. રાજેન્દ્ર ત્રિવેદીની મુલાકાતને પગલે અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. દરમિયાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, રાજ્યમાં બનાવટી ખેડૂતો સાવધાન રહે, જે  ઇસમો બનાવટી ખેડૂત બની ગયા છે. તેમના ઉપર રાજ્ય સરકાર કાયદા અન્વયે કડકમાં કડક પગલાં લેશે તથા ગુજરાત સરકારની રાજ્યના તમામ ખેડૂત પર નજર છે. જે ખેડૂત બનાવટી ખેડૂત બની રાજ્ય સરકારની યોજનાઓના લાભ લેશે, તેને રાજ્ય સરકાર આકરી સજા પાઠવશે. બનાવટી ખેડૂત જે હશે તેની જમીન સરકાર હસ્તક લેવામા આવશે.

બનાવટી ખેડૂતની માહિતી ગુજરાત સરકારને હર હંમેશ મળતી હોય છે. બનાવટી ખેડૂતની મળતી માહિતી મુજબ 2012-13મા કેટલાક કેસો જોવામાં આવ્યા છે. આ કામગીરીમાં માતરના અધિકારીઓ પર પણ આક્ષેપ આવ્યો છે તેમજ અધિકારીઓને પણ છોડવામાં આવશે નહી તેમ મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું. બનાવટી ડોક્યુમેન્ટ જે પણ વ્યક્તિ એ રજુ કર્યા છે એમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

મહેસૂલમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, હાલની ચકાસણી જોતા 1730 જેટલા કેસો ચકાસવામાં આવ્યા છે. જેમાં 628 કેસો ભારે શંકાસ્પદ જણાયા છે. એની પ્રાથમિક ચકાસણી માટે 500 લોકોને પુરાવા રજુ કરવા માટેની નોટિસ આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચના છે કે, સાચા વ્યક્તિને કોઈ દંડ ન થાય અને ખોટો વ્યક્તિ બચી ન જાય તેની મહેસુલ વિભાગ કાળજી રાખશે.  મહેસુલ મંત્રી એ જણાવ્યું હતું કે, એક જ સમાજ ઇસમો વધુ પ્રમાણમાં ખેડૂતોની જમીન લઇ રહ્યો છે. તે માતર અને રાષ્ટ્ર માટે ચિંતાનો વિષય છે. જો કોઈ ગેરકાનૂની કામમાં કોઈ અધિકારી કર્મચારી સંડોવાયેલા હશે તેને પણ સરકાર છોડશે નહિ.