Site icon Revoi.in

ગાંધીનગરમાં નિવૃતી બાદ સરકારી મકાનો ખાલી ન કરાતા અને અન્યને ભાડે અપાયા હશે તો પગલાં લેવાશે

Social Share

ગાંધીનગરઃ શહેરમાં સરકારી કર્મચારીઓને રહેવા માટે સરકારી આવાસો બનાવેલા છે. જેમાં અનેક મકાનો નિવૃત્તિ, અવસાન અને બદલીના કિસ્સામાં પણ લોકોએ ઘર ખાલી કર્યા નથી. શહેરમાં આવા અંદાજે 400થી વધુ મકાનો આવેલા છે. તો બીજી તરફ અનેક એવા આવાસો છે જ્યાં પેટા ભાડવાત કે જેને ઘર મળ્યું છે તેના સગા-સંબંધીઓ રહે છે. આ સંદર્ભે ફરિયાદો ઊઠતા છેલ્લા બે મહિનાથી આ પ્રકારના કિસ્સાઓમાં ચેકિંગ અને પગલાં લેવાની કામગીરી ચાલી રહી છે.

પાટનગર ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓને રહેવા માટે સરકારી આવાસો બનાવેલા છે. જેમાં અનેક મકાનો નિવૃત્તિ, અવસાન અને બદલીના કિસ્સામાં પણ લોકોએ ઘર ખાલી કર્યા નથી. શહેરમાં આવા અંદાજે 400થી વધુ મકાનો આવેલા છે બે મહિનામાં આવા પેટા ભાડાવાળા 20થી વધુ મળીને 100થી વધુ મકાન માલિકોને નોટિસો અપાઈ છે. પાટનગર યોજના વિભાગ દ્વારા અગાઉ સે-22 ખાતે આવા 20 મકાનો, સે-12માં 14 જેટલા, સે-16 અને 17માં કુલ 50થી વધુ મકાનો, સે-23 ખાતે 3 જેટલા પેટાભાડુઆત મળીને કુલ 10 મકાનો તથા સે-7 ખાતે 9 જેટલા પેટાભાડુઆત મળીને 14 જેટલી નોટીસો અપાઈ છે. તંત્ર દ્વારા આગામી સમયે પણ આ પ્રકારે આકસ્મિક ચેકિંગની કામગીરી ચાલતી રહેશે. સે-17ના જૂના એમએલએ ક્વાટર્સમાં હાલ તમામ મકાનો જર્જરિત થઈ ગયા છે જ્યાં તંત્ર દ્વારા ભયજનક બિલ્ડિંગના બોર્ડ પણ મારી દીધા છે. લાંબા વેઈટિંગ વચ્ચે અનેક કર્મચારીઓ એવા છે કે જેઓ મકાનો લઈને ઊંચા ભાડે કે પોતાના સગા-સંબંધીઓને આપી દેતા છે. ત્યારે આ પ્રકારના કિસ્સાઓમાં તંત્ર દ્વારા ફરિયાદો અને ખાનગી સર્વેના આધારે તપાસ કરવામાં આવી રહી  છે.

પાટનગર યોજના વિભાગ દ્વારા મકાન ફાળવણીના દિવસથી લઈને મકાન ખાલી ન કરે ત્યાં સુધી દંડ વસૂલવાની તજવીજ હાથ ધરાતી હોય છે. સેક્ટર-17 ખાતેના જૂના એમએલએ ક્વાર્ટ્સ 30 વર્ષ જૂના છે, જ્યાં પહેલાં એરફોર્સના જવાનો બાદ હવે અન્ય સરકારી કર્મચારીઓ રહે છે. જોકે જૂના થઈ ગયેલા આ મકાનો દયનિય સ્થિતિમાં છે. તંત્ર દ્વારા મકાનો ખાલી કરવા માટે કર્મચારીઓને નોટીસ પાઠવી દેવાઈ છે પરંતુ સામે 4500થી 5 હજારનું વેઈટિંગ હોવાથી સે-17 જ નહીં અનેક સેક્ટર્સમાં અતિજૂના મકાનોમાં રહેતાં નાગરિકો મકાન ખાલી કરતાં નથી. કારણ કે પરિવારના જવાબદારીઓ લઈને બેઠેલા કર્મચારીઓને પ્રાઈવેટમાં ઉંચા ભાડા પોષાય તેમ નથી. આ ઉપરાંત વર્ષોથી સરકારી કર્મચારી તરીકે નોકરી કરતાં વ્યક્તિના પરિવારને તકલીફ ન પડે તે માટે નિવૃત્તિ સહિતના કિસ્સામાં સરકાર દ્વારા 6 મહિના જેટલો સમય અપાય છે. જેમાં જે-તે વ્યક્તિએ બીજે મકાન શોધીને ખાલી કરી દેવાનું હોય છે પરંતુ અનેક કિસ્સામાં લોકો જલ્દી મકાન ખાલી કરતાં જ નથી, જેને પગલે વેઈટિંગમાં રહેલાં કર્મચારીઓને મકાન મળતાં નથી. આખરે તેમને જોખમી આવસોમાં રહેવાનો વારો આવે છે. પાટનગર યોજના વિભાગ દ્વારા ડેપ્યુટી સીએમના આદેશથી કડક પગલાં લેવાય છે. જોકે આવા કિસ્સાઓમાં મંત્રીઓના સ્ટાફની ભલામણનો મારો ચાલતો રહે છે. જેમાં દંડ ઓછો કરવાથી લઈને સમય આપવા જેવી ભલામણો કરાતી હોય છે. તંત્ર નિયમ પ્રમાણે નોટિસ આપીને દંડ સહિતની કામગીરી કરાય છે. લાંબી પ્રક્રિયાના અંતે જો કોઈ મકાન ખાલી ન કરે તો છેલ્લે ડેપ્યુટી કલેક્ટરના ઓર્ડરથી મકાન ખાલી કરાવવાની પ્રક્રિયા કરાય છે.

Exit mobile version