અમદાવાદ, 24 જાન્યુઆરી 2026: અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનોનો આતંક અને નિર્દોષ નાગરિકોને શ્વાન કરડવાના વધતા કિસ્સાઓએ તંત્રની ઉંઘ ઉડાડી દીધી છે. આ સમસ્યાના કાયમી ઉકેલ અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ (CNCD) દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી શહેરના જાહેર માર્ગો, સોસાયટીના નાકા કે ફૂટપાથ પર ગમે ત્યાં શ્વાનને ખોરાક નાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિયમનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર AMCના CNCD વિભાગ દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, શહેરના તમામ 7 ઝોનમાં મળીને કુલ 100 જેટલા ‘ડૉગ ફીડિંગ સ્પોટ’ નક્કી કરવામાં આવ્યા છે. હવે પશુ પ્રેમીઓ કે શ્વાનને ખોરાક આપવા ઈચ્છતા નાગરિકોએ માત્ર આ નિર્ધારિત કરેલા સ્થળોએ જઈને જ શ્વાનને ખાવાનું આપવાનું રહેશે. તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, જાહેર રસ્તાઓ પર ખોરાકને કારણે શ્વાનોના ટોળા એકઠા ન થાય, જેનાથી વાહનચાલકો અને રાહદારીઓ પર થતા હુમલા અટકાવી શકાય.
કોર્પોરેશને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ નક્કી કરેલા સ્પોટ સિવાય જાહેર સ્થળો કે રહેણાંક વિસ્તારોના એન્ટ્રી પોઈન્ટ પર ખોરાક નાખતા ઝડપાશે, તો તેની સામે કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તંત્રના મતે, ગમે ત્યાં ખોરાક નાખવાને કારણે રસ્તા પર ગંદકી ફેલાય છે અને શ્વાનો વધુ આક્રમક બનીને રાહદારીઓ પાછળ દોડે છે. AMC ના અધિકારીઓના જણાવ્યા મુજબ, “ઘણીવાર પશુ પ્રેમીઓ લાગણીવશ થઈને મુખ્ય રસ્તાઓ પર જ ખોરાક નાખતા હોય છે, જેનાથી શ્વાનો ઝઘડે છે અને અકસ્માત સર્જાય છે. આ નવા સ્પોટ નક્કી થવાથી શ્વાનોને ખોરાક પણ મળી રહેશે અને નાગરિકોની સલામતી પણ જળવાશે.”
આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળઃ બાંગ્લાદેશથી પ્રતિબંધિત સોપારીની દાણચોરીનો પર્દાફાશ

