Site icon Revoi.in

અભિનેત્રી પાયલ રોહતગીએ સોસાયટીના ચેરમેનને ધમકી આપતા ફરિયાદ

Social Share

અમદાવાદ :  બોલીવુડની જાણીતી એક્ટ્રેસ પાયલ રોહતગી વિવાદમાં આવી છે. અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસ પાયલ રોહતગી  સામે ફરિયાદ નોંધાઈ છે. સોસાયટીનાં સભ્ય પરાગ શાહ નામના તબીબે એક્ટ્રેસ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે અભિનેત્રીની ધરપકડ કરી હોવાનું પણ જાણવા મળે છે.

એક્ટ્રસ પાયલ રોહતગી ફરી એક વખત વિવાદ માં આવી છે. સોસાયટીના સભ્યો વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં અભદ્ર અને બીભત્સ ભાષામાં કૉમેન્ટ લખી ડીલિટ કરવા ઉપરાંત એજીએમમાં આવીને સભ્યો સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી ઉપરાંત ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા ચેરમેને  તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

સેટેલાઈટ સુંદરવન એપીટોમમાં રહેતા અને તબીબ પરાગભાઇ શાહે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 20મી જૂનના દિવસે સોસાયટીના સભ્યોની એજીએમ હતી. જેમાં સોસાયટીમાં સભ્યોને બોલાવવામાં આવ્યા હતા. જોકે, પાયલ સભ્ય ન હોવા છતાં બેઠકમાં આવી હતી. જેથી ચેરમેને તેણીને કહ્યું હતું કે, તમારા માતાપિતા સભ્ય છે. તમારા માતા હાજર છે, તમે સભ્ય ન હોવાથી વચ્ચે ન બોલશો. આમ કહેતા જ પાયલે સભ્યો સાથે બીભત્સ ભાષામાં વાત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે જ તેણીએ વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું હતું.

એક્ટ્રેસ પાયલ રોહતગીએ સોશિયલ મીડિયા પર સોસાયટીનાં ચેરમેન વિશે લખાણ લખ્યું છે. સોસાયટીના વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ મેસેજ લખ્યા હતા. તેમજ ગાળોનો પણ ઉપયોગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ પાયલ રોહતગી પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આ પહેલા પણ અભિનેત્રી વિવાદમાં આવી ચૂકી છે. બે વર્ષ પહેલા અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં નહેરુ પરિવાર અંગે વિવાદિત પોસ્ટ કરી હતી. જે અંગે રાજસ્થાનના બુંદી જિલ્લામાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઈને રાજસ્થાન પોલીસ દ્વારા પાયલ રોહતગીની ધરપકડ કરાઈ હતી.