Site icon Revoi.in

અદાણી ફાઉન્ડેશન દ્વારા મહિલા સ્વસહાય જૂથોને આત્મનિર્ભર બનાવાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાતના દહેજ નજીક લુવારા ગામની મહિલાઓએ વધારાની આવક મેળવવા પ્રસંશનીય કાર્ય કર્યુ છે. અદાણી ફાઉન્ડેશની મદદથી મહાદેવ મહિલા સખી મંડળે વધારાની આવક ઉભી કરવા કમ્પોસ્ટ ખાતર બનાવવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. ગામની મહિલાઓ તેના થકી વધારાની આવક મેળવવાની સાથોસાથ અનેક લોકો માટે ઉદાહરણીય બની છે.

અદાણી ફાઉન્ડેશન દ્વારા ફેબ્રુઆરી 2020 માં લુવારા ગામની મહિલાઓને એકત્ર કરી જૈવિક વર્મી કમ્પોસ્ટ ખાતર દ્વારા આવક મેળવવા સ્વ-સહાય જૂથ (SHG)ની રચના કરવામાં આવી હતી. આ માટે નવસારીમાં લચકડી ખાતે BAIF ની એક્સપોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. BAIF દ્વારા તેઓને તાલીમ આપવા અને કાર્યક્ષમતા વધારવા માટે ઓર્ગેનિક વર્મીકમ્પોસ્ટ ખાતર પર ત્રીદિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

દહેજના યુનિટ CSR હેડ ઉષા મિશ્રા જણાવે છે કે “આ કાર્યક્રમ ગ્રામજનોમાં ખૂબ જ લોકપ્રિય બન્યો છે. અમને વિશ્વાસ છે કે વધુને વધુ મહિલાઓ આગળ આવી SHGમાં જોડાશે. લોકો વર્મીકમ્પોસ્ટ માટે સ્વસહાય જૂથના કાર્યની પ્રશંસા કરવા લાગ્યા છે કારણ કે સેન્દ્રિય ખાતર ખેતીમાં નોંધપાત્ર પરિવર્તન લાવી રહ્યું છે. તદુપરાંત મહિલાઓને વધારાની આવક મેળવવા આવી પ્રવૃત્તિઓ પ્રોત્સાહિત કરે છે. ખેડૂતોને પ્રોત્સાહન, બજાર સાથે કનેક્ટીવીટી અને તકનીકી સહાયની જેવી બાબતોમાં એમે તેમને મદદ કરીએ છીએ”.

અદાણી ફાઉન્ડેશને ખેડૂતોને અનુરૂપ બજાર અને ગ્રાહકોની શોધમાં સ્વસહાય જૂથને સહાય પૂરી પાડી હતી. મહિલાઓએ નજીકના વિસ્તારની તમામ મોટી કંપનીઓની મુલાકાત લઈ તેમની પાસેથી ઓર્ડર મેળવ્યા. આ જૂથ ગુજરાત સરકારના મિશન મંગલમ હેઠળ નોંધાયેલ છે અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં બચત ખાતું પણ ધરાવે છે.

સ્વસહાય જૂથના પ્રમુખ સપના બેન જણાવે છે કે “ગુજરાત લાઇવલીહુડ્સ પ્રમોશન કંપની (GLPC) દ્વારા આયોજિત બુકકીપિંગ અને નાણાકીય સાક્ષરતા તેમજ ઈનકમ જનરેશન પ્રોગ્રામ હેઠળ લીધેલી તાલીમોએ અમને નાણાકીય પાસાઓને સમજવામાં મદદ કરી છે. તમામ ઔપચારિક તાલીમો અને કાર્યશાળાઓ બાદ પ્રોજેક્ટ યુનિટે આકાર લીધો છે. અમે 24 પોર્ટેબલ વર્મીકમ્પોસ્ટ બેડ સાથે યુનિટ શરૂ કર્યું છે.”