Site icon Revoi.in

IETE વેસ્ટ ઝોન સેમિનાર અને ISF કોંગ્રેસ-2026ની યજમાનીમાં સહયોગીરુપે અદાણી યુનિવર્સિટી શૈક્ષણિક કેન્દ્ર તરીકે ઉભરી આવી

Social Share

અમદાવાદ, 7 ફેબ્રુઆરી 2026: “ટ્રેન્ડ્સ એન્ડ ઇનોવેશન ઇન એરોસ્પેસ ઇલેક્ટ્રોનિક્સ” થીમ પર આયોજિત IETE વેસ્ટ ઝોન પરિસંવાદ અને IETE સ્ટુડન્ટ્સ ફોરમ (ISF) કોંગ્રેસ-2026ની યજમાનીમાં સહયોગી બનવા સાથે અદાણી યુનિવર્સિટી એક મુખ્ય શૈક્ષણિક કેન્દ્ર તરીકે ઉભરી આવી છે.

અદાણી યુનિવર્સિટી, ભારતીય અવકાશ સંશોધન સંગઠનના સ્પેસ એપ્લિકેશન સેન્ટર અને ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ-ઇન્ફોર્મેટિક્સ (BISAG-N) ની દિલ્હીની ઇન્સ્ટિટ્યૂશન ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર્સ (IETE) ના અમદાવાદ કેન્દ્રના યજમાનપદે યોજાયેલા આ પરિસંવાદની સહયોગી બની હતી. અમદાવાદ અને ગાંધીનગર બંનેમાં આ પરિસંવાદના સત્રો યોજાયા હતા.

આજે અમદાવાદના શાંતિગ્રામ ખાતે અદાણી યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલા આ પરિસંવાદ પરંપરાગત દીપ પ્રાગટ્યથી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.અદાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ડૉ. ધવલ પૂજારાએ સ્વાગત પ્રવચનમાં યુનિવર્સિટીના નવીનતા આધારિત શિક્ષણ, શ્રેષ્ઠ સંશોધન અને ઉભરી રહેલા ટેકનોલોજી ક્ષેત્રોમાં સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર પ્રકાશ પાડ્યો હતો. IETE ના અમદાવાદ સેન્ટરના અધ્યક્ષ પ્રીતિ અગ્રવાલે ઉદ્ઘાટકીય પ્રવચન કર્યું હતું.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાનપદે ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર શ્રી નિલેશ દેસાઈ અને વિશેષ માનવંતા મહેમાન તરીકે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી આશિષ પાંડેએ ઉપસ્થિત રહ્યા હતા.અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષ રાજવંશીએ તેમના ચાવીરુપ સંબોધનમાં રાષ્ટ્ર નિર્માણમાં ઇલેક્ટ્રોનિક્સ અને એવિઓનિક્સની વધતી જતી ભૂમિકા, આત્મનિર્ભર ભારતનું વિઝન અને વિક્સિત ભારત ૨૦૪૭ તરફના પ્રયાણ વિષે વિગતે વાત કરી હતી. પરિસંવાદના અધ્યક્ષપદેથી IETE ના પ્રેસિડેન્ટ સુનિલે સંબોધન કર્યું હતું.

આ પરિસંવાદમાં એરોસ્પેસ ઇલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં રોજબરોજ ઉમેરાતી ટેકનોલોજી, સંશોધન, પ્રગતિ અને નવીનતાસભર વલણો વિષયે નિષ્ણાતોના વડપણ હેઠળ યોજાયેલા ટેકનિકલ સત્રોમાં આ ક્ષેત્રો સંબંધી વર્તમાન અને ભાવિ આયામોની વિષદ છણાવટ કરવામાં આવી હતી. ઉદ્યોગકારો, વ્યાવસાયિકો, શિક્ષણવિદો, સંશોધકો અને વિદ્યાર્થીઓએ આ પરિસંવાદમાં સક્રિયપણે ભાગ લીધો હતો, પરિણામે પરિસંવાદ જ્ઞાનના આદાન-પ્રદાનનું એક ગતિશીલ પ્લેટફોર્મ બની રહ્યો હતો.

આ પરિસંવાદના આયોજનમાં એક સક્રિય સહયોગી બનીને અદાણી યુનિવર્સિટીએ ટેકનોલોજી-કેન્દ્રિત શિક્ષણ અને સંશોધન માટેના કેન્દ્ર તરીકે પોતાની સ્થિતિને મજબૂત કરવા સાથે એરોસ્પેસ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષમતાઓને સંગીન બનાવવાના રાષ્ટ્રીય પ્રયાસોમાં તેની ભૂમિકા અને યોગદાનની સજ્જતા દર્શાવી છે. ભવિષ્યમાં આ ક્ષેત્રોની જરુરિયાતમાં સતત સહયોગ, સંશોધનોમાં આવશ્યક ભાગીદારી અને નવીનતા-આધારિત વૃદ્ધિના મનોમંથન સાથે આ પરિસંવાદનું સમાપન થયું હતું.

Exit mobile version