Site icon Revoi.in

અરવલ્લીમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય તંત્ર તૈયાર, તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી

Social Share

અરવલ્લી: રાજ્યમાં વધતા કોરોનાને તથા અરવલ્લી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને લઇને આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જિલ્લામાં કોરોનાને લઇને 172 પથારીઓ તૈયારી કરવામાં આવી છે, જેમાં મોડાસાની સાર્વજનિક હૉસ્પિટલમાં 50, વાત્રક હોસ્પિટલમાં 50 જ્યારે ભિલોડાની કૉટેજ હોસ્પિટલમાં 72 પથારીનો સમાવેશ થાય છે.

આ સાથે જ અરવલ્લી જિલ્લામાં તકેદારીના ભાગરૂપે 98 જેટલા ઑક્સિજન કૉન્સન્ટ્રેટર મશીન પણ મુકવામાં આવ્યા છે જ્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા, કોટેજ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ મૂકયો છે. વાત્રક હોસ્પિટલ ખાતે,સાર્વજનિક હોસ્પિટલ ખાતે ઓક્સિજનનો એક પ્લાન્ટ કાર્યરત છે.અરવલ્લી જિલ્લામાં કોવિડ-19 લઈને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

દેશમાં કોરોનાને કારણે બીજી લહેર જેવી સ્થિતિ ન સર્જાય તે માટે તમામ જિલ્લાના તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી છે. દેશમાં કોરોનાના કેસ વધતા કેટલાક રાજ્યોની સરકાર દ્વારા કેટલાક કડક નિયમોને લાગુ કરવામાં આવ્યા છે, આ રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં પણ કોરોનાવાયરસના કેસ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે જેને કારણે લોકોએ તંત્ર તૈયાર થઈને બેઠું છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું સૌથી વધારે જરૂરી છે, આ જાણકારી આપ્યા બાદ પણ કેટલાક વિસ્તારોમાં લોકો દ્વારા આ નિયમોનું પાલન કરવામાં આવતું નથી અને જેને કારણે અન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.