Site icon Revoi.in

ગુજરાત યુનિ. સંલગ્ન કોમર્સ,બીબીએ-બીસીએ સહિતની કોલેજોમાં ગુરુવારથી પ્રવેશ શરૂ કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોમર્સ,બીબીએ-બીસીએ સહિતની કોલેજોની અંદાજે 40 હજારથી વધારે બેઠકો માટે આગામી તા.5મીને ગુરુવારથી ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાશે. ગતવર્ષની જે બેઠકો ઉપલબ્ધ છે તે પ્રમાણે જ કાર્યવાહી કરવાનુ નક્કી કરાયુ છે. બેઠકોની સંખ્યા જોતાં હાલમાં પ્રવેશની કોઇ સમસ્યા ઊભી થાય તેમ નથી. પરંતુ ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં જવાની મંજુરી આપવામાં આવે તો સમસ્યા ઉભી થાય તેમ છે.

ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં સાયન્સમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન ચાલી રહ્યુ છે. છેલ્લા 10 દિવસથી ચાલતી આ પ્રક્રિયામાં હજુસુધી અંદાજે 6 હજાર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતાં આજે મળેલી પ્રવેશ સમિતિની બેઠકમાં આગામી ગુરુવારથી રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કર્યા બાદ કયા સુધી ચાલશે તે અંગે હજુસુધી કોઇ સ્પષ્ટતાં કે નિર્ણય પણ કરવામાં આવ્યો નથી.

આજની બેઠકમાં ગતવર્ષની જે બેઠકો છે તેને ધ્યાનમાં રાખીને રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. ગતવર્ષે ઇડબલ્યુએસ કેટેગરીની મળીને અંદાજ 40 હજાર બેઠકો હતી. જે પૈકી 8 ઓનલાઇન રાઉન્ડ પુરા થયા પછી પણ 9 હજારથી વધારે બેકો ખાલી પડી હતી. આ વર્ષે પણ આટલી બેઠકો માટે રજિસ્ટ્રેશન કરવાની સૂચના આપવામાં આવશે. કોમર્સ, બીબીએ-બીસીએ ઉપરાંત એમબીએ-ઇન્ટીગ્રેટેડ, એમસીએ ઇન્ટીગ્રેટેડ અને એમએસસી આઇ.ટી. સહિતના કોર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ચાલુ વર્ષે નવા શરૂ કરાયેલા 16થી વધારે કોર્સમાં પૈકી કેટલાક કોર્સમાં કોમર્સ પ્રવેશ સમિતિ અને કેટલાક કોર્સમાં સાયન્સ પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ ફાળવવાનુ નક્કી કરાયુ છે.

હાલના તબક્કે યુનિવર્સિટીમાંથી કોઇ ગ્રાન્ટેડ કોલેજો દૂર થશે કે નહી તે મુદ્દે કોઇ સ્પષ્ટતાં કરવા તૈયાર નથી. સૂત્રો કહે છે બેઠકો યથાવત રહે તો પ્રવેશની સમસ્યા ઉભી થાય તેમ નથી. પરંતુ જો કેટલીક ગ્રાન્ટેડ કોલેજોને યુનિવર્સિટીમાંથી દૂર કરીને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં લઇ જવામાં આવે તો પ્રવેશની સમસ્યા ઉભી થાય તેમ છે. આ સ્થિતિમાં ગ્રાન્ટેડ કોલેજોમાં વર્ગ વધારો કરવો કે પછી અન્ય કોઇ નિર્ણય કરવો પડે તેમ છે. હાલ તો યુનિવર્સિટી સત્તાધીશો કે પ્રવએશ સમિતિના સભ્યો મગનુ નામ મરી પાડવા તૈયાર નથી.આગળની કોઇ કાર્યવાહી થઇ શકે તેમ ન હોવાથી હાલમાં માત્ર રજિસ્ટ્રેશન કાર્યવાહી શરૂ કરાશે.

Exit mobile version