Site icon Revoi.in

અમદાવાદના મ્યુનિ.કોર્પોરેટર વિપુલ પટેલ સામે ભારે વિવાદ બાદ ભાજપના સત્તાધિશોએ પૂછ્યો ખૂલાશો

Social Share

અમદાવાદઃ શહેરના નરોડા વોર્ડના ભાજપના કોર્પોરેટર વિપુલ ઉર્ફે સોમભાઈ પટેલ સામે નરોડા અર્બન હેલ્થ સેન્ટરની મહિલા ડોકટર સાથે ગેરવર્તણૂંક કરવાના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ મામલે ભારે વિવાદ સર્જાતા મ્યુનિના ભાજપના નેતા ભાસ્કર ભટ્ટે કોર્પોરેટર વિપુલ પટેલ પાસે ખુલાસો માંગ્યો  છે. નરોડા અર્બન હેલ્થ સેન્ટરના મહિલા ડોક્ટર સાથે ગેરવર્તણૂક કરવાના આક્ષેપ થવાથી ભાજપની છબિ ખરડાઈ છે. જેથી તમારી સામે શિક્ષાત્મક પગલાં કેમ ન કરવા ? સસ્પેન્ડ કેમ ન કરવા ? તેનો એક દિવસમાં ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નરોડા અર્બન હેલ્થ સેન્ટર પર કોર્પોરેટર વિપુલ પટેલ દ્વારા મહિલા તબીબ સાથે ગેરવર્તણૂક કર્યુ હોવાનો આક્ષેપ થતાં ભાજપ શહેર પ્રમુખ અને કોર્પોરેશનના પ્રભારી ધર્મેન્દ્ર શાહની આગેવાનીમાં તમામ પદાધિકારીઓની અગત્યની બેઠક મળી હતી. બે કલાક ચાલેલી મેરેથોન બેઠકમાં સમગ્ર બાબત ઉપર ભાજપના સત્તાધીશો દ્વારા પડદો પાડવા એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર સહિતના અધિકારીઓ સમગ્ર ઘટના મામલે તપાસ કરી અને જે પણ રિપોર્ટ આપશે, તેના આધારે ભાજપના કોર્પોરેટર સામે પગલાં લેવા કે કેમ તે નક્કી કરવામાં આવશે.જો કે આ મામલે વિવાદ વકર્યો હતો, અને કોઈ કોર્પોરેટર આવુ વર્તન ન કરે તે માટે દાખલો બેસે એવી સજા કરવાની માગ ઊઠી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાજપના કોર્પોરેટર સામે આક્ષેપ થતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ શહેર પ્રમુખ, કોર્પોરેશન પ્રભારી ધર્મેન્દ્ર સહિત ભાજપના તમામ પદાધિકારીઓની બેઠક મળી હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હેલ્થ પ્રવિણ ચૌધરી, AMC ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકીને પણ હાજર રાખવામાં આવ્યા હતા. ફરિયાદ કરનારા ડોક્ટરને પણ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા અને તેમની પાસેથી સમગ્ર માહિતી મેળવવામાં આવી હતી. કોર્પોરેટર વિપુલ ઉર્ફે સોમભાઈ પટેલને પણ હાજર રાખવામાં આવ્યા હતા. જોકે તેઓને બેઠકમાં બોલાવવાની જગ્યાએ બહાર બેસાડવામાં આવ્યા હતા બે કલાક સુધી બેસાડ્યા બાદ બેઠક પૂર્ણ થઈ હતી અને બે મિનિટ માટે કોર્પોરેટરને બોલાવ્યા હતા. ત્યારબાદ અધિકારીઓ ભોગ બનેલા ડોક્ટર અને કોર્પોરેટરો પાછલા બારણેથી રવાના થઈ ગયા હતા.