Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાના વેરિયન્ટની માયાજાળઃ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ બાદ કપ્પા વેરિયન્ટની હાજરી મળી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, કોરોનાના વિવિધ વેરિયેન્ટએ તબીબોની ચિંતામાં વધારો કર્યો છે. ગુજરાતમાં અગાઉ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસના પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. હવે વધુ એક નવા વેરિયેન્ટની હાજરી મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગે જૂન મહિનામાં પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે આઠ શંકાસ્પદ સેમ્પલ મોકલ્યાં હતાં, જેમાંથી 3 સેમ્પલમાં કપ્પા વેરિયન્ટ જોવા મળ્યો હતો. અગાઉ મે મહિનામાં પણ એક સેમ્પલમાં કપ્પા વાઇરસ જોવા મળ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર પૂણાની લેબમાં અગાઉ એપ્રિલ મહિનામાં જે સેમ્પલ મોકલવામાં આવ્યા હતાં જેમાં 32 કેસ ડેલ્ટા વેરિયન્ટના અને એક કેસ ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો જોવા મળ્યો હતો. ગત મે મહિનામાં સાબરકાંઠાના તલોદ તાલુકાના 70 વર્ષીય દર્દીમાં કપ્પા વેરિયન્ટ મળ્યો હતો. એ પછી 16થી 30 જૂન વચ્ચે ગોધરા અને મહેસાણાના એક-એક દર્દી કપ્પા વેરિયન્ટથી સંક્રમિત હોવાનું નિદાન થયું હતું. આ બન્ને દર્દીની સારવાર અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. કપ્પા વાયરસની ઘાતકને લઇને વૈશ્વિક સ્તરે રિસર્ચ થઇ રહ્યું છે. પરંતુ હજુ કોઈ મહત્વના તારણો મળ્યા નથી. કોરોના વાયરસના ડેલ્ટ વેરિએન્ટ પ્રથમ કેસ ભારતમાંથી જ મળી આવ્યો હતો. તે જ પ્રમાણે કપ્પા વેરિએન્ટના કેસ પણ અહીં જ મળી આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેમજ કોરોનાને નાથવા માટે એક માત્ર રસીકરણ જ ઈલાજ હોવાથી અભિયાનને વધારે તેજ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે.

(PHOTO-FILE)