Site icon Revoi.in

રાજકોટમાં ભારત-શ્રીલંકા વચ્ચે રમાનારી T-20 મેચની ટિકિટના દર નક્કી કરાયા બાદ બુકિંગનો પ્રારંભ

Social Share

રાજકોટઃ શહેરના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોના સ્ટેડિયમ પર આગામી તા.  7મી જાન્યુઆરીએ  ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 મેચનો રમાશે. સ્ટેડિયમ પર ક્રિકેટ મેચે  લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ આજે શુક્રવારથી મેચની ટિકિટનું ઓનલાઈન બુકિંગ શરૂ કરાવી દેવામાં આવ્યુ છે.  આ મેચ માટેની ટિકિટનો ભાવ રૂ.1100થી 7000 નક્કી કરવામાં આવ્યો છે.  ભારત-શ્રીલંકા વચ્ચેની ટી-ટ્વેન્ટી મેચ નિહાળવા માટે સૌરાષ્ટ્રભરમાં ક્રિકેટરસિયાઓ ઉમટી પડશે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં 7 જાન્યુઆરીએ રમાનારી ભારત-શ્રીલંકા વચ્ચેની ક્રિકેટ મેચમાં પ્રેક્ષકો માટેનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ક્રિકેટરસિકો બુક માય શો ઉપર પોતાની પસંદગીની જગ્યા પર બેસવા માટેની ટિકિટ સરળતાથી ખરીદી શકશે. આ ઉપરાંત 1 ડિસેમ્બરથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ સહિતના આઉટલેટ ઉપરથી ટિકિટની ખરીદી કરી શકાશે ક્રિકેટ મેચ  સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. તેથી  આખું સ્ટેડિયમ પેક થઈ જાય તેવી શક્યતા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શ્રીલંકાની ટીમને આમ તો લોકો નબળી ગણી રહ્યા છે. પરંતુ આ જ ટીમે એશિયા કપમાં સ્ટાર ખેલાડીઓથી ભરપૂર ટીમ ઇન્ડિયાને પરાજિત કરી હતી. એટલા માટે તેને હળવાશથી લેવાની ભૂલ ટીમ ઈન્ડિયા કરશે નહીં. આ વખતે રાજકોટમાં રમાનારા આ મુકાબલામાં હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, ઉમરાન મલિક, અક્ષર પટેલ, દીપક હુડ્ડા સહિતના ખેલાડીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમની રમત જોવા માટે રાજકોટિયન્સ અત્યારથી જ અધીરા બની ગયા છે. દરમિયાન બન્ને ટીમ છઠ્ઠી જાન્યુઆરીએ જ રાજકોટ પહોંચી જશે અને સાંજે પ્રેક્ટિસ કર્યા બાદ સાતમી જાન્યુઆરીએ મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા જ્યારે હોટેલ સયાજીમાં પહોંચશે ત્યારે તમામ ખેલાડીઓનું ફ્યુઝન-મેસઅપ ગરબાથી સ્વાગત કરવામાં આવશે. આ માટે હોટેલ દ્વારા રાજકોટના એક ખાસ ગ્રુપને બોલાવવામાં આવ્યું છે. જેઓ ગરબાના વિવિધ સ્ટેપ્સથી ખેલાડીઓને આવકારશે. બીજી બાજુ રાજકોટમાં કડકડતી ઠંડી પડી રહી હોવાથી ખેલાડીઓને અડદિયા સહિતના શિયાળું પાક પીરસવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, છઠ્ઠી જાન્યુઆરીએ ભારત-શ્રીલંકા ક્રિકેટ ટીમ રાજકોટ આવી પહોંચવાની છે ત્યારે કોરોનાની તકેદારીના ભાગરૂપે બન્ને હોટેલના સ્ટાફનો 72 કલાક પહેલાં એટલે કે ત્રણ જાન્યુઆરીએ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ટીમ ઇન્ડિયા હોટેલ સયાજીમાં ઉતરવાની છે ત્યારે ત્યાં ક્રિકેટરોની સેવામાં 195 જેટલો સ્ટાફ તહેનાત રહેશે. ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 સિરીઝની એક મેચ રાજકોટના સ્ટેડિયમ ઉપર રમાશે. શ્રીલંકાની ટીમ આમ તો રાજકોટમાં મેચ રમી ચૂકી છે પરંતુ તે તમામ મેચ રેસકોર્સના ગ્રાઉન્ડ ઉપર રમાઈ હતી. જ્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસાસિએશન સ્ટેડિયમ નિર્માણ પામ્યા બાદ પહેલીવાર નવા ગ્રાઉન્ડ ઉપર ભારત સામે ટક્કર લેશે. આમ શ્રીલંકા રાજકોટની મહેમાન બનનારી ઑસ્ટ્રેલિયા,ઈંગ્લેન્ડ, વેસ્ટઇન્ડીઝ, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને આફ્રિકા પછીની 7મી ટીમ બનશે.

Exit mobile version