Site icon Revoi.in

શાળાઓમાં પ્રવાસી શિક્ષકોને છૂટા કર્યા બાદ જ્ઞાન સહાયકો હાજર ન થતાં હવે ભણાવશે કોણ?

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટ સામે પ્રવાસી શિક્ષકોની માનદ સેવા લેવામાં આવતી હતી. ત્યારબાદ સરકારે પ્રવાસી શિક્ષકોને સ્થાને 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂકો કરવાનો નિર્ણય લઈને તમામ પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દીધા છે, બીજી બાજુ પસંદગી પામેલા ઘણાબધા  જ્ઞાન સહાયકો શાળાઓમાં હાજર થયા નથી. આથી પરીક્ષાઓ નજીક છે, સિલેબર્સ પુરો થયો નથી. ત્યારે વિદ્યાર્થીઓને હવે કોણ ભણાવશે તે મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. શિક્ષણ વિભાગની અણઘડ નીતિ સામે શાળા સંચાલકો પણ રોષે ભરાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કુલોમાંથી પ્રવાસી શિક્ષકો છૂટા કરવામાં આવ્યા છે. તો બીજ તરફ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી છે, પરંતુ તે શિક્ષકો હાજર થતાં નથી. માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા આવી રહી છે અને મુખ્ય વિષયોના જ શિક્ષકો નથી તો વિદ્યાર્થીઓ અભ્યાસ કેવી રીતે કરશે? તેને લઈને સવાલ છે. શાળા સંચાલકોમાં આ મામલે રોષ જોવા મળ્યો છે.

શાળા સંચાલકોના કહેવા મુજબ રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં કેટલાય વર્ષોથી કાયમી શિક્ષક નથી. જેથી તેની જગ્યાએ પ્રવાસી શિક્ષક દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. પ્રવાસી શિક્ષક યોજના પણ બંધ કરીને હવે જ્ઞાન સહાયક યોજના લાવવામાં આવી છે. જેમાં જ્ઞાન સહાયક પગાર ન મળતા અને ઘરથી દૂરનું કેન્દ્ર મળતા અને કાયમી નોકરી ન હોવાથી હાજર થતાં નથી. તો બીજી તરફ પ્રવાસી શિક્ષકોને પણ છૂટા કરવામાં આવ્યા છે. સંચાલકોએ આ અંગે અનેક વખત રજૂઆત કરી છતાં શિક્ષણ વિભાગ કોઈ નિર્ણય કરતું નથી.

રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, અમારે 8500 શિક્ષકોની જરૂર હતી. જેની સામે 4800 જ્ઞાન સહાયક આપ્યા હતા. જેમાંથી 10 ટકા હાજર થયા નથી. બીજા રાઉન્ડમાં પણ આ પ્રકારની જ સ્થિતિ ઊભી થઈ છે. અત્યારે રાજ્યની 300થી વધુ ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગણિત, વિજ્ઞાન અને ઈંગ્લીશ જેવા મહત્વના વિષયના શિક્ષક નથી. જ્યારે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ઇકોનોમિકસ અને સ્ટેટેસ્ટિક્સ જેવા વિષયના પણ શિક્ષક નથી. માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા આવી રહી છે તો વિદ્યાર્થીઓ કંઈ રીતે અભ્યાસ કરી શકશે.