- પ્રધાનમંત્રી કાર્યાલય હવે સેવા તીર્થ તરીકે ઓળખાશે
- રાજભવન હવે લોકભવન તરીકે ઓળખાશે
- પીએમ આવાસનું નામ પહેલા જ લોક કલ્યાણ માર્ગ કરવામાં આવ્યું હતું
નવી દિલ્હીઃ વડાપ્રધાન કાર્યાલયનું નામ બદલાયું છે. હવે તેને સેવા તીર્થ નામથી ઓળખવામાં આવશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બની રહેવા નવા પીએમ કાર્યાલયનું નામ હવે સેવા તીર્થ રાખવામાં આવ્યું છે. આ એવુ કેન્દ્ર છે જ્યાંથી દેશના મહત્વના નિર્ણય લેવાય છે. આનો હેતુ શાસનમાં સેવાની ભાવનાને આગળ વધારવાનો છે. આ એક જ બદલાવ નથી કરાયો, દેશના કેટલાક સરકારી ભવનોના નામ થોડા સમય પહેલા જ બદલવામાં આવ્યાં છે, જે શાસનના વિચારમાં આવી રહેલા મોટા પરિવર્તન તરફ ઈશારો કરે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સરકાર વહીવટી તંત્રને એવી ઓળખ આપવા માંગે છે કે જેથી સત્તાથી વધારે સેવા અને અધિકારથી વધારે જવાબદારીઓ દેખાય. રાજભવનોને હવે લોકભવન તરીખે ઓળખવામાં આવશે. પીએમ આવાસનું નામ પહેલા જ લોક કલ્યાણ માર્ગ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં દિલ્હીનો રાજપથ હવે કર્તવ્ય પથના નામથી ઓળખાય છે.
કેન્દ્રીય સચિવાલયને પણ હવે નવુ નામ કર્તવ્ય ભવન મળ્યું છે. સરકારનું કહેવું છે કે, આ ફેરફાર માત્ર નામ સુધી સીમિત નથી, પરંતુ એવો સંદેશ આપવા માટે છે કે, સરકાર જનતાની સેવા માટે છે, ન કે શક્તિ પ્રદર્શન કરવા માટે. સુત્રોના જણાવ્યા અનુસાર નામોમાં આ ફેરફાર શાસનની પ્રાથમિકતાઓમાં આવેલા નવા વિચારો દર્શાવે છે.

