Site icon Revoi.in

રાજકોટ એન્જિનિયરિંગ બાદ હવે આઈટીનું પણ હબ બનશે

Social Share

રાજકોટઃ રાજ્યમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે રાજકોટ આગવું સ્થાન ધરાવે છે. રાજકોટના એન્જિનો અને તેના પાર્ટની વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. હવે રાજકોટ આઇટી પાર્ક મેળવવા સજ્જ થઇ ગયું છે. શહેરની ભાગોળે વાજડી ગામ પાસે 6 લાખ ચોરસફૂટમાં આઇટી પાર્ક બનાવવા રાજકોટ આઇટી એસોસીએશન દ્વારા ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમીટેડ મારફતે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીને પ્રસ્તાવ મૂકાયો છે. રાજકોટમાં આઇટીના ક્ષેત્રમાં થતું ઉત્તમ કાર્ય લક્ષ્યમાં લઇને ડિપાર્ટમેન્ટ પાર્ક ફાળવી દે તેવી શક્યતા છે.
રાજકોટ આઈટી એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે,  રાજકોટ શહેર સૌરાષ્ટ્રના આઇટી ક્ષેત્રનું હબ છે. 800 જેટલી નાની મોટી કંપનીઓ સ્થપાયેલી છે. અઢીસો જેટલી કંપનીઓ પ્રોડક્ટ અને સોફ્ટવેર ઉત્પાદનમાં ખૂબ આગળ પડતું નામ ધરાવે છે. સાડા પાંચસો જેટલી કંપંનીઓ આઉટ સોર્સીંગ વડે લગભગ 100 ટકા નિકાસ ક્ષેત્રમાં કાર્યરત છે. શહેરના આઇટી ઉત્પાદકો પાસે વિશાળ બ્લોક ચેઇન છે. આઇઓટી, આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ તથા ડેટા સાયન્સમાં ઘણું આગળ પડતું નામ છે. વળી, 150 કરતા વધારે એન્જીનીયરીંગ કોલેજોમાંથી વિદ્યાર્થીઓ પણ ખૂબ મળે છે એટલે આઇટી પાર્ક રાજકોટમાં સ્થપાય તેવી માગ કરવામાં આવી છે. ગુજરાત ઇન્ફોર્મેટિક્સને આ મુદ્દે રજૂઆત કરતા સૈધ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી હતી અને એ પછી કેન્દ્રને પ્રસ્તાવ કર્યો છે. મોટેભાગે વાઇબ્રન્ટ ગુજરાતમાં કે એ પછી રાજકોટને પાર્ક મળી જાય એવી શક્યતા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટમાં આઇટી ક્ષેત્રનું કદ સાડા ત્રણથી ચાર હજાર કરોડ જેટલું છે. પાર્ક સાકાર થાય તો આશરે અઢીથી ત્રણ હજાર જેટલા યુનિટો શહેરમાં આ ક્ષેત્રે આવશે. વિદ્યાર્થીઓને મુંબઇ, પૂના, બેંગલોર કે હૈદરાબાદ જેવા શહેરોમાં નોકરી માટે જવું પડતું હોય છે પણ આઇટી પાર્ક આવે તો ઘરઆંગણે જ રોજગારી મળી જશે. (File-photo)