અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે ભાજપે ફરીવાર ભરતી મેળો શરૂ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ હવે આજે ગુરૂવારે ભાજપમાં વિધિવત જોડાશે. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કાર્યકરો સાથે આવીને રિબડિયા ભાજપનો ખેસ ધારણ કરશે. દરમિયાન કોંગ્રેસ દ્વારા હર્ષદ રિબડિયા સામે પ્રહારો કરવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા હર્ષદભાઈનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. તેમાં તેઓ 40 કરોડની ઓફરની વાત કરતા હતા. હવે તેમને સ્પષ્ટ કરવું જોઈએ કે ઓફર ઘરે બેસવાની હતી કે ટિકિટ મેળવવાની? સાર્વજનિક જીવનમાં તેમણે સ્પષ્ટતા કરવી જોઈએ કે તેઓ ભાજપમાં કેમ ગયા? જ્યારે વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘અમે ચિંતન કરીશું આ પરિસ્થિતિનું’, ‘કોઈના જવાથી કંઈ અટકતું નથી. ભાજપ પાસે સારા ચહેરા નથી એટલે કોંગ્રેસ તોડે છે.
વિસાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યાના નિવાસસ્થાને જઈને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. હવે આજે ગુરુવારે હર્ષદ રીબડિયા ભાજપમાં જોડાશે. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ જઈને કેસરિયો ખેસ ધારણ કરશે. દરમિયાન કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપના ઇવેન્ટ મેનેજમેન્ટના ભાગરૂપે ધારાસભ્યો તોડવામાં આવે છે. આ સ્થિતિમાં ભાજપ કોન્ફિડન્ટ નથી એટલે તોડવાની પ્રવૃત્તિ ચાલે છે. કોંગ્રેસના આત્મવિશ્વાસને ડગાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પરંતુ તેમના મનસૂબા પાર નહીં પડે. દરેક બેઠક માટે અમારા પાસે પહેલાથી જ વિકલ્પ તૈયાર છે. કોઈના જવાથી કોંગ્રેસને કોઈ ફરક નહીં પડે. અમારી પાસે 4-5 એન્ગલથી તમામ 182 બેઠકનો રિપોર્ટ તૈયાર છે.
હર્ષદ રિબડીયાએ અંગે વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘અમે ચિંતન કરીશું આ પરિસ્થિતિનું’, ‘કોઈના જવાથી કંઈ અટકતું નથી. ભાજપ પાસે સારા ચહેરા નથી એટલે કોંગ્રેસ તોડે છે. કોંગ્રેસમાં શું ઉણપ છે તેનું મંથન ચાલી રહ્યું છે. ટિકિટ નહીં મળવાની આશંકાથી રાજીનામું અપાતું હોય તેવી શક્યતા દેખાઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજનીતિમાં આવ-જા થતી રહેતી હોય છે. પ્રજાને આપેલા વચનોનો દ્રોહ ન કરી શકાય. પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે નેતાઓ પક્ષ પલટો કરે છે. આગામી ચૂંટણીમાં ભાજપને હારની આશંકા છે, એટલે જ પક્ષ પલટા કરાવી રહ્યા છે.