અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પરને રન-વેનું કામ હાલ ચાલી રહ્યું છે. આ કામ પૂર્ણ થતાં ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ફ્લાઈટ્સનું આવાગમન વધશે. એરપોર્ટ પર હવે ડાયરેક્ટ ફ્લાઇટના સ્લોટને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતાઓ છે.અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્લાઈટ્સની ફ્રિકવન્સી દરરોજ 100 જેટલી વધવાની આશા છે. રનવે પર રિ-કાર્પેટિંગનું કામ દોઢ મહિના પહેલા શરૂ થયું હતું અને 15 એપ્રિલથી ફ્લાઈટ્સ માટે રનવે ખુલ્લો મુકવામાં આવશે. રિ-કાર્પેટિંગનું કામ 17મી જાન્યુઆરીથી 31મી મે દરમિયાન સવારે 9થી સાંજે 6 વાગ્યા દરમિયાન નક્કી કરવામાં આવ્યું હતું, પણ કામ 45 દિવસ વહેલા પૂર્ણ થયું હતું. 15 એપ્રિલથી, હાલની 140 ની સામે દૈનિક 250 ફ્લાઇટ્સ કાર્યરત થશે.રન વે બનાવવાની કામગીરી 90 ટકા પૂર્ણ થઈ ગઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર પેસેન્જર લોડ પ્રતિ દિવસ 16 હજાર થી વધીને 25 હજાર થશે. પ્રવાસન સ્થળો માટે કનેક્ટીંગ ફ્લાઈટ્સ અને ડાયરેક્ટ ફ્લાઈટ્સની માંગમાં નોંધપાત્ર વધારો થશે. ઈન્ડિગો, ગો-એર, સ્પાઈસ જેટ દ્વારા દહેરાદૂન, જમ્મુ, બાગડોગરા, શ્રીનગર અને કોચી માટે વધારાની સીધી ફ્લાઈટ્સ શરૂ કરાશે. રનવે ફરી ખુલ્યા બાદ મુસાફરોને પ્રવાસન સ્થળો માટે સારી સંખ્યામાં ફ્લાઈટ્સ મળશે. હાલમાં, દેહરાદૂન, જમ્મુ, શ્રીનગર અને બાગડોગરા જેવા સીધા ગંતવ્યોના હવાઈ ભાડા ખૂબ ઊંચા છે. કેટલીક એરલાઈન્સે પણ લેહના સ્લોટ માટે પણ અરજી કરી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર 14 એપ્રિલ સુધીમાં રન વેની કામગીરી પૂર્ણ થઈ જશે અને એરપોર્ટ ઓર્થોરિટીને સોંપી દેવામાં આવશે. એરપોર્ટના રનવેના મુખ્ય પેવમેન્ટ અને ડેન્સ બિટ્યુમિનસ મેકાડમનું 5 સ્તરીય કામકાજ પૂર્ણ કરી લીધુ છે. DBM ટ્રક અને એરક્રાફ્ટ જેવા ભારે વાહનો માટે આ રન વે બનાવવામાં આવે છે. જેમાં ઉચ્ચ ગુણવત્તા ધોરણો સાથે ચોક્કસ માપન ધરાવતી બાંધકામ સામગ્રીનું મિશ્રણ હોય છે. આ રન વે પર 3505 મીટરની લંબાઈ ટ્રાંસવર્સ દિશામાં બંને-દિશામાં ઢોળાવ ધરાવતો થઇ ગયો છે. રન વે ઉપરાંત હવે તેની આસપાસના કામો પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ડોમેસ્ટિક એપ્રોનને જોડતો હાલનો ટેક્સી વે પણ ફરી ઉભો કરવામાં આવી રહ્યો છે. જેના પરિણામે રન વેની ગુણવત્તા અને એરક્રાફ્ટ ઓપરેશન્સની સુરક્ષામાં સુધારો થશે. સતત કામગીરી કરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે 14 એપ્રિલ સુધીમાં આ તેને સંપૂર્ણપણે તૈયાર કરી દેવામાં આવશે.