Site icon Revoi.in

પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજકીય પક્ષોએ કરી સમીક્ષા, ત્રણેય પક્ષોને જીતવાની આશા

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબકકાની 89 બેઠકોમાં સરેરાશ 62.89 ટકા મતદાન થયુ છે. જોકે 2017ની તુલનાએ અંદાજીત પાંચ ટકાનો મતદાનમાં ઘટાડો થયો છે.  આ વખતે ચૂંટણી જાહેર થયા બાદ મતદારોમાં નિરસતા જોવા મળી હતી. જાહેર સભાઓમાં પણ લોકોને ભેગા કરવા દરેક રાજકીય પક્ષો માટે મુશ્કેલ બન્યું હતુ. ચૂંટણીમાં ઓછુ મતદાન કયા પક્ષને તારશે અને કોને ડુબાડશે તેના રાજકીય ગણીત મંડાવા લાગ્યા છે. તમામ પક્ષો જીતને દાવો કરી જ રહ્યા છે. મતદાન ક્યા ગામ અને શહેરમાં કેટલા ટકા થયું તેની રાજકીય પક્ષો સમીક્ષા કરવા લાગ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું 89 બેઠક પરનું મતદાન પૂર્ણ થયા બાદ ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ક્યા બુથ પર કેટલા મત પડ્યા તેની ગણતરી કરવા લાગ્યા છે. મતદાન પૂર્ણ થયા બાદ ભાજપના કેટલાક ઉમેદવારોને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, અમે જેટલી ધારી હતી, એટલી લીડ મળશે નહીં, પણ પાતળી બહુમતીથી જીતીશું તો અમે જ, આમ ભાજપના ઉમેદવારો પણ અંદરખાને ચિંતિત હોય એવું તેમના ચહેરાના હાવભાવ જોતા લાગી રહ્યું છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારોને પૂછતા એવો જવાબ મળ્યો હતો કે, ભરેલું નાળિયેર છે, કંહી કહેવાય નહીં, પણ કોંગ્રેસના પોકેટ ગણાતા વિસ્તારમાં સારૂ મતદાન થયું હોવાથી જીતની આશા રાખી રહ્યા છીએ. આપના ઉમેદવારો તો એવું કહી રહ્યા છે. કે,  જીતીશું તો અમે જ, તમે 8મી ડિસેમ્બરે પરિણામ જોઈ લેજો,

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના મતદારો વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીની તુલનાએ 2022ની ચૂંટણીમાં   નિરુત્સાહ રહ્યા હતા. ક્યાંય પણ મતદાનની ટકાવારી 70 ટકાએ પહોંચી ન હતી. સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પર 12 જિલ્લામાં સૌથી વધુ સરેરાશ મતદાન મોરબી જિલ્લાની ત્રણ બેઠક પર થયું હતું. જ્યારે કચ્છ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને જામનગરમાં સરેરાશ મતદાનનો આંક 60 ટકા સુધી પણ પહોંચ્યો ન હતો. એટલે કે 100માંથી 59 લોકો નવી સરકાર બનાવશે. રાજકોટ જિલ્લામાં પણ મતદારો આ વખતે જાણે રીસાયા હોય તેમ 8 બેઠકો પર સરેરાશ મતદાન માત્ર 60.42 ટકા જ રહ્યું હતું. જ્યારે જામનગરની 5 અને દેવભૂમિ દ્વારકાની 2 બેઠક સરેરાશ મતદાન અનુક્રમે 59.29 અને 61.51 ટકા રહ્યું હતું. જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી અને પોરબંદર જિલ્લામાં પણ આ વખતે મતદાનની ટકાવારી વધે તેવી સંભાવના હતી. આ ચાર જિલ્લામાં મોટાભાગની બેઠકો કોંગ્રેસે કબજે કરી હતી. આથી મતદાન વધુ થાય તે માટે ભાજપે એડી-ચોટીનું જોર લગાવ્યું હતું અને વડાપ્રધાન મોદી, યુપીના મુખ્યમંત્રી યોગી તેમજ અમિત શાહ સહિતના નેતાઓને આ ચાર જિલ્લાઓમાં ઉતારાયા હતા. પરંતુ અહિંયા પણ સરેરાશ મતદાન 56.78 થી 62.82 ટકાની વચ્ચે રહ્યું હતું. ગોહિલવાડમાં પણ આ વખતે મતદાન ઓછું રહ્યું હતું. ભાવનગર અને બોટાદ જિલ્લાની કુલ 9 બેઠકો પર સરેરાશ મતદાન 57 થી 58 ટકાની વચ્ચે રહ્યું હતું. ઝાલાવાડમાં પણ ગત ચૂંટણી કરતા આ વર્ષે સરેરાશ મતદાન ઓછું નોંધાયું હતું. 62.19 ટકા મતદારોએ જ પોતાના મતનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત કચ્છની 5 બેઠક પર સરેરાશ મતદાન 62.19 ટકા નોંધાયું હતું. આમ, સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત બીજી વખત વિધાનસભાની ચૂંટણીમાં ઓછું મતદાન થયું છે તે કોને ફળશે અને કોને નડશે તે 8 ડિસેમ્બરે નક્કી થઇ જશે.