Site icon Revoi.in

કોર્પોરેશન ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસમાં રાજીનામાનો દોર થયો શરૂ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો હોવાનું લાગી રહ્યું છે. આ ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ 500 બેઠકો ઉપર જીતના લક્ષ્ય સાથે ચૂંટણીમાં વેગવંતો પ્રચાર કરતી ભાજપે 454 જેટલી બેઠકો ઉપર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસનો 45 બેઠકો ઉપર વિજય થયો છે. કોર્પોરેશનની ચૂંટણીમાં પરાજય બાદ હવે કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થયો છે. ભાવનગર, અમદાવાદ, સુરત અને રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખોએ રાજીનામાં આપ્યાં હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં 72 બેઠકો પૈકી 68 બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો છે. જ્યારે કોંગ્રેસને 4 બેઠકો ઉપર જીત મેળવીને સંતોષ માનવો પડ્યો છે. રાજકોટ કોર્પોરેશનમાં હારની જવાબદારી કોંગ્રેસના શહેરપ્રમુખ અશોક ડાંગરે સ્વિકારીને પ્રમુખ પદેથી રાજીનામું મોકલી આપ્યું છે. બીજી તરફ અમદાવાદમાં 139 જેટલી બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે અત્યાર સુધીમાં કોંગ્રેસનો માત્ર 21 બેઠક ઉપર વિજય થયો છે. અમદાવાદ કોર્પોરેશનમાં ખરાબ પ્રદર્શનને લઈને શહેર પ્રમુખ શશિકાંત પટેલે હાઈકમાન્ડને રાજીનામું ધરી દીધું છે.

સુરતમાં ભાજપનો 60થી વધારે બેઠકો ઉપર વિજય થયો છે. એટલું જ નહીં સુરતમાં બીજા નંબરની પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી ઉભરી આવી છે. જ્યારે કોંગ્રેસનો એક ઉમેદવારનો વિજય નહીં થયો હોવાનું જાણવા મળે છે. શહેર પ્રમખ બાબુ રાયકાએ પણ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. કોર્પોરેશનની ચૂંટણીના ઉમેદવારોની પસંદગીને લઈને કોંગ્રેસમાં નારાજગી સામે આવી હતી. જેથી સુરતમાં પાટીદાર આગેવાનોએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવાનું ટાળ્યું હતું. ભાવનગરમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું છે. ભાવનગરમાં પરાજયની જવાબદારી સ્વિકારીને શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ રાજીનામું આપી દીધું છે.