Site icon Revoi.in

ક્ષત્રિય સમાજના અલ્ટિમેટમ બાદ પરશોત્તમ રૂપાલા આજે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરશે

Social Share

રાજકોટઃ લોકસભાના રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની નારાજગી યથાવત છે. રૂપાલાની ઉમેદવારી પાછી ખેચવા માટે અપાયેલા અલ્ટિમેટમ બાદ પરશોત્તમ રૂપાલા આજે શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારી ફોર્મ ભરશે. ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલા જનસભા યોજાશે પછી રોડ શો કરવામાં આવશે. આટલું જ નહીં વિજય રૂપાણી, વજુભાઈ વાળા સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે.

રાજકોટમાં રવિવારે ક્ષત્રિય સમાજના વિરાટ મહાસંમેલન યોજાયું હતું જેમાં રૂપાલાને ઉમેદવારી પાછી ખેંચવાનું અલ્ટિમેટમ અપાયું હતું. ક્ષત્રિય સમાજની નારાજગી સામે ભાજપ મક્કમ છે. ત્યારે પરશોત્તમ રૂપાલા આજે તા. 16મી એપ્રિલે શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારી ફોર્મ ભરવા જશે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા જનસભા યોજાશે. જેમાં અગાઉના ટારગેટ કરતા બમણા લોકો એકઠા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. બહુમાળી ભવન ચોકમાં તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોતમ રુપાલા સામે ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો છે. વિવાદાસ્પદ વિધાનો કરનારા રુપાલાની ટીકીટ રદ કરવાની માંગણી સાથે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. રવિવારે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી ક્ષત્રિયો ઉમટ્યા હતા અને હાજરી લાખોમાં થઇ હતી. આ મહાસંમેલન પર ભાજપ નેતાગીરીની વોચ હોવાનું સ્પષ્ટ હતું. હવે ભાજપના ઉમેદવાર રૂપાલા આજે મંગળવારે રાજકોટની બેઠક પરથી ફોર્મ ભરવાના છે ત્યારે તેમાં પણ શક્તિ પ્રદર્શન યોજવાનો વ્યૂહ આપનાવવામાં આવ્યો છે. રૂપાલાનું ફોર્મ ભરવાનું સમયપત્રક તથા કાર્યક્રમ ભાજપે અગાઉ જ જાહેર કરી દીધો હતો. પરંતુ હવે ભાજપના વર્તુળોએ એમ કહ્યું છે કે રૂપાલા ફોર્મ ભરવા જાય તે પૂર્વે યોજાનારા કાર્યક્રમમાં સંખ્યાનો ટારગેટ ડબલ કરી દેવામાં આવ્યો છે.

રાજકોટ શહેર ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે રૂપાલા તા.16મીને મંગળવારે ઉમેદવારી ફોર્મ ભરશે તે પૂર્વે બહુમાળી ચોકમાં સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સ્થાનિક-લોકલથી માંડીને પ્રદેશ નેતાઓ હાજરી આપશે. રાજ્યના કેબીનેટમંત્રી કુવરજી બાવળીયા, ભાનુબેન બાબરીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા-મહેન્દ્રસિંહ સરવૈયા ઉપરાંત  લોકલ નેતાઓ-આગેવાનો-કાર્યકરો સહિત હજારોની સંખ્યામાં હાજરી આપશે. આ કાર્યક્રમ માટેની પૂર્વ તૈયારીને આખરીઓપ આપવામાં આવ્યો છે. બહુમાળી ચોકમાં વિશાળ મંચ સહિત સભા મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. સર્વત્ર કેસરીયો માહોલ સર્જી દેવાનો વ્યૂહ હોવાનું માનવામાં આવી રહ્યું છે.