Site icon Revoi.in

ગુજરાત કોંગ્રેસની ધાર્મિક યાત્રા, ખોડલધામના દર્શન કરી નેતાઓએ નરેશ પટેલ સાથે ગોષ્ઠિ કરી

Social Share

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. ‘કોંગ્રેસ સાથ મા કે દ્વાર’ યાત્રાનો  રાજકોટના બહુમાળી ભવન ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. બહુમાળી ભવન ખાતે સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોર, ઋત્વીક મકવાણા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો બાઇક અને કારના કાફલા સાથે જોડાયા હતા. આ યાત્રામાં જોડાયેલા નેતાઓએ ખોડલધામ ખાતે મા ખોડલના દર્શન કર્યા હતા. બાદમાં કોંગ્રેસના નેતાઓ અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે, આજે કોઈ રાજકીય ચર્ચા થઈ નથી.

કોંગ્રેસની યાત્રા ખોડલધામ પહોંચ્યા બાદ માતાજીના આશિવાર્દ મેળવીને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે યોજાયેલી બેઠકમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર,  સાંસદ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય પ્રતાપ દુધાત, ધારાસભ્ય લલિત વસોયા, સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રામકિશન ઓઝા, કોંગ્રેસના આગેવાન અને પાટીદાર નેતા મિતુલ દોંગા હાજર રહ્યા હતા. હળવા માહોલમાં ખોડલધામમાં નરેશ પટેલે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામ ખાતે કોઈ પણ વ્યક્તિ દર્શન માટે આવી શકે છે. દરેક સમાજને વસ્તી આધારે ટિકિટ મેળવવાનો અધિકાર છે.

કોંગ્રેસની યાત્રાનું ઈન્દિરા સર્કલ પાસે બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં કોંગ્રેસના નેતાઓએ ઈન્દિરા ગાંધીની પ્રતિમાને હાર પહેરાવ્યો હતો. બાદમાં જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓએ ઢોલી પર 500-500વાળી નોટોનો વરસાદ કર્યો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, નવલા નવરાત્રિમાં મા ઉમા અને મા ખોડલના ધામમાં ગુજરાતની ખુશાલી માટે પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ. કોરોનાના બે-ત્રણ વર્ષના ખરાબ સમય પછી જ્યારે સારો સમય આવ્યો છે ત્યારે માને પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ. રેલીના રૂપમાં ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે ત્યારે દ્વારકા ભગવાન જગન્નાથના આશીર્વાદ લઈને રેલીની શરૂઆત કરી છે. આવતા દિવસોમાં રસ્તા પર રેલી, સભા યોજી કોંગ્રેસ ગુજરાતમાં 125 પ્લસ સીટ સાથે સરકાર બનાવવા જઈ રહી છે એના ભાગરૂપે આ કાર્યક્રમો થઈ રહ્યા છે. કોઈ પણ પક્ષ કોને લડાવવો એ તેનો અબાધિત અધિકાર છે. કોંગ્રેસ 182 સીટ પર ચૂંટણી લડી રહી છે. ગત વખતે અમારી જે ખામીઓ રહી ગઈ હતી તે આ વખતે નહીં રહે. 125 પ્લસ સાથે સરકાર બનાવવાની નેમ સાથે કોંગ્રેસ આગળ વધી રહી છે અને દમથી ચૂંટણી લડીશું.

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાજપથી  તમામ વર્ગ, ધર્મ, જ્ઞાતિના લોકો બહુ નારાજ છે. કારણ કે ખૂબ મોટી અપેક્ષાઓ સાથે લોકોએ ભાજપને મતો આપ્યા હતા.એક સમયે મોદીજી કેન્દ્ર સરકાર પર દોષારોપણ કરતા હતા તો હવે કેન્દ્ર સરકાર પણ એમની છે. જિલ્લા-તાલુકા પંચાયત પણ લોકોએ આપી દીધી અને એમ છતાં લોકપ્રશ્નો ઉકેલાયા નથી. મોંઘવારી આસમાને પહોંચી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ જુઓ, આંતરાષ્ટ્રીય બજારમાં રાંધણગેસ સસ્તો થયો છતાં 400 કે 415નો બાટલો 1000-1100 રૂપિયાએ પહોંચાડી દીધો છે.