Site icon Revoi.in

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઈબ્રન્ટ સમિટ બાદ 15મીથી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સરકારે કોરોનાને નાથવા માટે આગોતરી તૈયારીઓ કરી લીધી છે. સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા અને  જરૂરી દવાનો સ્ટોક વગેરેની વ્યવસ્થા ઊભા કરી દેવામાં આવી છે. જ્યારે પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઈબ્રન્ટ સમિટ બાદ 900 બેડની કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલ શરૂ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાની સંભિવત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ગાંઘીનગરના મહાત્મા મંદિરમાં નવેમ્બર, 2021માં બંધ કરાયેલી 900 બેડની કોવિડ હૉસ્પિટલ 15 જાન્યુઆરીથી ફરી શરૂ કરાશે. વાઇબ્રન્ટ સમિટ યોજવાની હોવાથી હૉસ્પિટલ બંધ કરવા સરકારે આદેશ આપ્યો હતો ત્યારે કોરોના અને ઓમિક્રોન વેરિયન્ટના કેસ વધતાં સરકારે ફરીથી વાઇબ્રન્ટ સમિટ પછી હૉસ્પિટલ શરૂ કરવા આદેશ આપ્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આગામી તા. 10થી 12મી જાન્યુઆરી દરમિયાન વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. વાઈબ્રન્ટ સમિટ બાદ મહાત્મા મંદિરમાં કોરોનાની હોસ્પિટલ કાર્યરત કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે. કે, મહાત્મા મંદિરમાં ઊભી કરાયેલી  હૉસ્પિટલ મે, 2021ના અંતમાં તૈયાર કરાઈ હતી અને સાડા પાંચ મહિના બાદ 10 નવેમ્બર, 2021એ આટોપી લેવાઈ હતી. હવે માત્ર 2 મહિનામાં જ ફરી ઊભી કરાશે. દર્દીઓને ઑક્સિજનનો સપ્લાય મળી રહે તે માટે 300 ટનનો પ્લાન્ટ પણ નાખવામાં આવ્યો હતો. સાથે જ ત્રીજી લહેર બાળકોને વધુ અસર કરશે, તેવી ભીતિને પગલે બાળકો માટે પણ ખાસ બેડની સુવિધા ઊભી કરાઈ હતી. ઉપરાંત તબીબો, નર્સિંગ, લેબોરેટરી તેમજ વર્ગ-4ના કર્મચારીઓની ભરતી કરવાના પણ આદેશો કરાયા હતા.