Site icon Revoi.in

ખારાઘોડા અને ઝીંઝુવાડાના રણમાં ધોમધખતા તાપમાં કાળી મજુરી કરીને મીઠું પકવતા અગરિયાઓ

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. ત્યારે જિલ્લાના ખારાઘોડા અને ઝીંઝુવાડાના અફાટ રણ વિસ્તારમાં ધોમધખતા તાપમાં કાળી મજુરી કરીને મીઠું પકવીને અગરિયાઓ પોતાના પરિવારોનું ગુજરાન ચલાવી રહ્યા છે. રણમાં અસહ્ય બફારા વચ્ચે તાપમાન 40 ડીગ્રીને વટાવી જતાં અગરિયાઓ કાળઝાળ ગરમીમાં શેકાય રહ્યા છે. રણમાં ટ્રકો, ડમ્પરો અને જેસીબી સહિતના સાધનો વડે મીઠું ખેંચવાની સીઝન પુરજોશમાં ચાલુ થઇ છે.અને આ સીઝન આગામી અઢીથી ત્રણ માસ સુધી ચાલશે.  આ વર્ષે ખારાઘોડા રણ વિસ્તારમાં અંદાજે 15 લાખ મેટ્રીક ટન મીઠું આવવાનો અંદાજ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા સપ્તાહથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ખારાઘોડા, ઝીંઝુવાડા, પાટડી સહિતના રણ વિસ્તારમાં મીઠું પકવવાનું કામ કરતા અગરિયાની હાલત કફોડી છે. કાળઝાળ ગરમીમાં અગરિયાઓ રણમાં કાળી મજુરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. રણમાં જેસીબી અને ડમ્પરો દ્વારા મીઠું ખેંચવાની સીઝન પુરબહારમાં ચાલી રહી છે. અસહ્ય બફારા વચ્ચે રણમાં ગરમીનો પારો 40 ડીગ્રી વટાવી જતા અને બીજી બાજુ રણમાં ક્યાંય છાંયડાનું નામોનિશાન ન હોવાથી અગરિયાઓ અને એમાય ખાસ કરીને અગરિયા મહિલાઓ અને ભુલકાઓ અસહ્ય બફારામાં અકળાઇ રહ્યા છે. રણમાં કેટલાક વર્ષો પહેલા ટ્રકોમાં પાવડા અને બકડીયા દ્વારા મીઠું ભરવામાં આવતુ હતુ.અને ખારાઘોડા ગંજે ટ્રકોના પાટીયા ખોલી લાંબા પાવડા વડે મીઠું ખાલી કરાતુ અને ત્યાર બાદ મજૂરો દ્વારા બકડીયામાં મીઠું ઉપાડી ગંજા પર ચઢાવી ગંજો બનાવવામાં આવતો હતો.પરંતુ હવે યાંત્રિક યુગ આવતા આ તમામ મીઠા કામદારોની જગ્યા જેસીબી, બુલડોઝર અને ડમ્પરો જેવા સાધનોએ લઇ લેતા સમયની સાથે સાથે યાંત્રીક યુગ આવતા અગરિયાઓ બેકાર બનવા લાગ્યા છે. મીઠું પકવવાની સીઝન આગામી અઢીથી ત્રણ માસ સુધી ચાલવાની છે. આ વર્ષે રણમાંથી ખારાઘોડા ગંજેથી અંદાજે 15 લાખ મેટ્રીક ટન મીઠું આવવાનો અંદાજ મીઠાના વેપારીઓ લગાવી રહ્યાં છે.