Site icon Revoi.in

સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવા એજન્સીઓ હવે AI નો ઉપયોગ કરશે

Social Share

નવી દિલ્હી, 1 એપ્રિલ 2026: ડિજિટલ દુનિયામાં સતત વધી રહેલા જોખમો અને આતંકવાદી ગતિવિધિઓને નાથવા માટે ભારત સરકારે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે સંસદીય સમિતિને જાણકારી આપી છે કે દેશની સુરક્ષા એજન્સીઓ હવે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ડેટાના સચોટ વિશ્લેષણ માટે ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ (એઆઈ) નો મોટા પાયે ઉપયોગ કરી રહી છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, એઆઈ ટેકનોલોજીની મદદથી લાખો-કરોડો ડેટાનું વિશ્લેષણ હવે ગણતરીની મિનિટોમાં શક્ય બન્યું છે.

ભાજપના સાંસદ નિશિકાંત દુબેની અધ્યક્ષતાવાળી ‘સંચાર અને માહિતી ટેકનોલોજી’ બાબતોની સ્થાયી સમિતિ સમક્ષ ગૃહ મંત્રાલયે આ અંગેનો સંપૂર્ણ રિપોર્ટ રજૂ કર્યો હતો. સમિતિએ જ્યારે નાગરિકોની ‘પ્રાઈવસી’ (નિજતા) અંગે સવાલ પૂછ્યો, ત્યારે મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે સુરક્ષા એજન્સીઓ માત્ર ‘ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ’નો જ ઉપયોગ કરે છે. આ પ્રક્રિયામાં કોઈ પણ સામાન્ય નાગરિકના ખાનગી ડેટા કે પ્રાઈવસીનું ઉલ્લંઘન કરવામાં આવતું નથી.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ઇન્ટેલિજન્સ અને કાઉન્ટર-ઇન્ટેલિજન્સ માટે અત્યાધુનિક સાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે. શંકાસ્પદ ચહેરાઓની ઓળખ કરવા માટે, સોશિયલ મીડિયા પર થતી વાતો અને ભાષાના વિશ્લેષણ માટે આ એક ખાસ એઆઈ ટૂલ છે, જે અલગ-અલગ ડેટા સોર્સમાંથી એક જ વ્યક્તિની સચોટ ઓળખ કરી તેના નેટવર્કનો પર્દાફાશ કરે છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, “એઆઈ ના ઉપયોગથી આતંકવાદ વિરોધી અભિયાનોમાં એજન્સીઓની ક્ષમતા અનેકગણી વધી ગઈ છે. તેનાથી યોગ્ય સમયે સચોટ નિર્ણય લેવામાં મદદ મળી રહી છે.”

સરકારે જણાવ્યું કે ‘ડેટા સ્ક્રેપિંગ’ ટેકનોલોજી દ્વારા એક્સ , ફેસબુક અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર સતત નજર રાખવામાં આવે છે. તેના મુખ્ય લક્ષ્યાંકોમાં ખોટી માહિતી ફેલાવતા કન્ટેન્ટને રોકવા, ટેલિગ્રામ અને યુટ્યુબ પર બોમ્બ બનાવવાની રીતો શીખવનારા કે નફરત ફેલાવનારા ગ્રુપ્સ પર બાજ નજર રાખવા તથા મેટ્રિમોનિયલ અને ડેટિંગ સાઇટ્સ પર લોકોને પ્રેમની જાળમાં ફસાવી બ્લેકમેલ કરતા રેકેટને પકડવા માટે આ ટેકનોલોજી ‘ગેમ ચેન્જર’ સાબિત થઈ રહી છે. આ આધુનિક અભિગમ સાથે ભારત હવે સાયબર સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાના મામલે વધુ સજ્જ બન્યું છે.

આ પણ વાંચોઃ મોંઘવારીનો ડામ: પ્રીમિયમ પેટ્રોલ બાદ હવે પ્રીમિયમ ડીઝલના ભાવમાં પણ વધારો

Exit mobile version