Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા 10મી ઓક્ટોબરે ફોટા સાથેની મતદાર યાદી જાહેર કરાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ચાર-પાંચ મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે, બીજીબાજુ ચૂંટણી પંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જિલ્લા ચૂંટણી અધિકારીઓને તાજેતરમાં જ તાલીમ આપવાનો કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો. ઉપરાંત મતદાર યાદીને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નવી મતદાર યાદી મતદારોના ફોટા સાથે 10મી ઓક્ટોબરે જોહેર કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી પંચ દ્વારા સતત મતદાર યાદી સુધારણાના પગલે હાલની મુસદ્દા યાદી મુજબ 4.83 કરોડ મતદારો નોંધાયેલા છે. જે તમામના ફોટા સાથેની મતદાર યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આગામી 10 ઓક્ટોબરના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરાશે. જેના આધારે વિધાનસભાની ચૂંટણી યોજાશે. નવા યુવા મતદારોની નોંધણી માટે પણ ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, અગાઉ નવા મતદાર તરીકે નામ નોંધાવવા દર વર્ષે 1 જાન્યુઆરીના રોજની લાયકાત ધ્યાને લેવામાં આવતી હતી. જેમાં સુધારો કરીને 1લી ઓક્ટોબરના રોજ કે તે પહેલા 18 વર્ષ પૂર્ણ થતાં હોય તેવા યુવાનો મતદાર યાદીમાં નામ નોંધાવી શકે છે. બિન નિવાસી ભારતીયો કે જે ભારતનના નાગરિક છે પરંતુ શિક્ષણ કે રોજગારનાં હેતુ માટે અન્ય દેશમાં વસવાટ કરે છે તેઓ પણ મતદાર યાદીમાં નામ નોંધાવી શકે છે. આ સાથે 21, 28 ઓગસ્ટ અને 4 ,11 સપ્ટેમ્બર એમ સળંગ ચાર રવિવારે ખાસ યાદી સુધારણા ઝૂંબેશ હાથ ધરવામાં આવશે અને ત્યાર બાદ ફાઈનલ મતદાર યાદી તૈયાર થશે.