Site icon Revoi.in

અમદાવાદઃ દરિયાપુરમાં ઈમારતનો જર્જરિત ભાગ ધરાશાયી થઈ, મોટી જાનહાની ટળી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, બીજી તરફ જર્જરિત અને કાચા મકાન ધરાશાયી થવાની ઘટના સામે રહી છે. દરમિયાન અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં લાખોટાની પોળમાં એક ઈમારતની છત ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. જો કે, નીચે પાર્ક કરેલા કેટલાક વાહનોને નુકશાન થયું હતું. આ બનાવને પગલે મનપા તંત્ર પણ હરકતમાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના દરિયાપુર વિસ્તારમાં લાખોટા પોળમાં એક મકાનના બીજા માળનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. જેના કાટમાળ નીચે બિલ્ડીંગની નીચે પાર્ક કરેલા કેટલાક વાહનો દબાયાં હતા. કાટમાળ નીચે ચારેક વાહનો દબાતા ભારે નુકશાન થયું હતું. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની નહીં થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થતા બિલ્ડીંગમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી હતી. એટલું જ નહીં તંત્ર દ્વારા બિલ્ડીંગનો જર્જરિત ભાગ દૂર કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં જર્જરિત ઈમારતો દૂર કરવા માટે મનપા તંત્ર દ્વારા મકાન માલિકોને નોટિસ આપવામાં આવે છે પરંતુ કેટલાક મકાન માલિકો આ જર્જરિત ભાગ દુર કરવાનું ટાળતા હોવાનું જાણવા મળે છે. જેથી ઈમારતનો જર્જરિત ભાગ તુટી પડવાની ઘટનાઓ બનતી હોવાનું જાણકારો માની રહ્યાં છે.