Site icon Revoi.in

મન્કીપોક્સના કેસમાં વધારો થતા અમદાવાદ એરપોર્ટ તંત્ર બન્યુ સતર્ક, પ્રવાસીઓનું સ્ક્રીનિંગ શરૂ કરાયું

Social Share

અમદાવાદઃ દેશની રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યોમાં મન્કીપોક્સના કેસ સામે આવ્યાં છે. મન્કીપોક્સના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા અમદાવાદ એરપોર્ટ સાબદુ બન્યું છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં મન્કીપોક્સના 7 જેટલા કેસ નોંધાયાં છે. દરમિયાન અમદાવાદ ઉપરાંત દિલ્હી, મુંબઇ, બેંગાલુરુ એરપોર્ટમાં વિદેશથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ શરૃ કરી દેવામાં આવ્યું છે. જે પણ મુસાફરના તાવ, પીઠ તેમજ સ્નાયુમાં દુઃખાવાના લક્ષણ જોવા મળે તેમને સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ટેસ્ટ માટે મોકલવામાં આવે છે.

રાજ્યના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર વિદેશથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે ગુજરાતમાં હજુ સુધી એકપણ દર્દી નોંધાયો નથી. બીજી તરફ મન્કીપોક્સના કેસમાં વધારો થતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મન્કીપોક્સ વાયરસના ટેસ્ટની શરૂઆત કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ એરપોર્ટમાં વિદેશથી આવતા જે પણ મુસાફરમાં મન્કીપોક્સના શંકાસ્પદ લક્ષણો જોવા મળશે તેને અસારવા સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવશે.સિવિલમાં મન્કીપોક્સના ૮ બેડનો વોર્ડ તૈયાર કરાયો છે. મન્કીપોક્સ વાયરસના ટેસ્ટ શરૃઆતના તબક્કામાં કોરોનામાં થતાં આરટીપીસીઆરની જેમ કરી શકાશે.