Site icon Revoi.in

અમદાવાદઃ હથિયારોની તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ, 22 આરોપીઓની ધરપકડ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં નશાખોરી અને ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ત્રાસવાદી વિરોધી દળ એટલે કે એટીએસની ટીમે હથિયારોની તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. એટીએસની ટીમે 22 આરોપીઓને 54 જેટલી દેશી બનાવટની પિસ્ટલ જપ્ત કરી હતી. આ ટોળકીએ અત્યાર સુધીમાં 100 જેટલા હથિયાર વેચ્યાં હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ હથિયારો મધ્યપ્રદેશથી લાવીને રાજ્યના વિવિધ શહેરો અને નગરોમાં વેચ્યા હોવાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના આસ્ટોડિયા દરવાજા પાસેથી ચાર પિસ્તલ સાથે દેવેન્દ્ર બારિયા અને ચાંપરાજ ખાચર નામના શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પૂછપરછમાં આ હથિયાર મધ્યપ્રદેશના કુક્ષી જિલ્લાના બાગ ગામમાંથી ખરીદ્યાનું ખુલ્યું હતું. બંને આરોપીઓ હથિયાર વડોદરાના વનરાજ નામના શખ્સને વેચવા જઈ રહ્યાં હતા. એટલું જ બે વર્ષના સમયગાળામાં મધ્યપ્રદેશના ધાર ખાતેથી 100 જેટલી પિસ્તોલ સુરેન્દ્રનગર, બોટાદ સહિતના સૌરાષ્ટ્રના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં વેચ્યાંની કબુલાત કરી હતી.

પોલીસે સમગ્ર બનાવની ઉંડાણપૂર્વક તપાસ કરીને ભગીરથ ફુલ ધાધલ, સત્યજીત અનક મોડા, અલ્પેશ માનસીંગ ડાંડોળીયા, ઉદયરાજ માત્રેશ માંજરીયા, દિલીપ દડુ ભાંભળા, કિરીટ વલકુબોરીચા, અજીત ભુપત પટગીર, રવિરાજ બાબ ખાચર ,રવિ માત્રા ખાચર, શક્તિ જેઠસુર બસીયા, નાગજી જેસીંગ સાંકળીયા, રમેશ રસીક ગોહીલ, સુરેશ દેવકુ ખાચર (તમામ રહે, બોટાદ), મુકેશ રામજી કેરાલીયા, ભાવેશ દિનેશ મકવાણા, પ્રદિપ રણ વાળા, પ્રતાપ ભુપત ભાંભળા, વિનોદ નટુ વ્યાસ, ચીરાગ મુકેશ જાદવ, ગુંજન પ્રકાશ ધામેલ

(તમામ રહે, સુરેન્દ્રનગર), કિશોર બાવકુ ધાધલ અને મહિપાલ ભગુ બોરીચા (રહે, રાજકોટ)ને ઝડપી લીધા હતા. આ ઉપરાંત આરોપીઓ પાસેથી 54 જેટલી પીસ્ટલ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. એટલું જ નહીં આરોપીઓ પાસેથી પિસ્ટલની ખરીદી કરનારાઓની પણ શોધખોળ પોલીસે આરંભી છે. પોલીસની તપાસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.